બાજરી વેચી પરત ફરતા મહિસાગરના દંપત્તિનુ માર્ગ અકસ્માતમાં મોત

ખેડાના રઢુ ગામની સીમમાં ત્રિપલ અકસ્માતમાં ટ્રકના ચાલકે ટેમ્પીને અડફેટમાં લેતા ટેમ્પી સામેના રોડ પર ઉછળીને પડતા ટેમ્પી ચાલક અને તેની પત્નિને ગંભીર ઈજાઓ પહોંચતા ધટના સ્થળે મોત નીપજયાં હતુ. જયારે ત્રણ વર્ષની દિકરીને ઈજાઓ પહોંચી હતી.

મહિસાગર જિલ્લાના જુના હાંડિયા અરવિંદ(ઉ.વ.૨૪)તેના પત્નિ નંદનીબેન(ઉ.વ.૨૨)અને દિકરી કવિતા (ઉ.વ.૩)ને ટેમ્પીમાં બાજરીનુ વેચાણ કરી તા.૨૨ જુનની રાત્રિના સમયે રઢુ ગામ તરફ જઈ રહ્યા હતા. તે સમયે રઢુ ગામની સીમમાં ટેમ્પી ચાલક અરવિંદ તેમની ટેમ્પી હોટલ તરફ વળાવી રહ્યા હતા તે સમયે પાછળથી આવતા એક ટ્રકના ચાલકે ટેમ્પીને અડફેટે લેતા ટેમ્પી ખેડા-ધોળકા રોડ પર ઉછળીને પડતા તે સમયે ધોળકા તરફથી આવતા એક ટ્રકના ચાલકે ટેમ્પીને અડફેટે લઈ અકસ્માત સર્જયો હતો. જેથી ટેમ્પી ચાલક અરવિંદ અને તેમના પત્નિ નંદનીબેનને ગંભીર ઈજાઓ પહોંચતા ધટના સ્થળે મોત નીપજયું હતુ. ત્યારે દંપત્તિનુ દિકરી કવિતાને શરીરે ઈજાઓ પહોંચી હતી. જયારે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક ટ્રક મુકીને ધટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ બાબતે મૃતકના ભાઈ રાજુભાઈએ ખેડા પોલીસ મથકે ફરાર બે ટ્રકના ચાલકો સામે ફરિયાદ નોંધાવી હતી.