એક જમાનામાં ભોજપુરી સિનેમામાં રાજ કરતી અભિનેત્રી ભીખ માંગતી થઈ

મુંબઇ, મિતાલી શર્મા એક જમાનામાં ભોજપુરી સિનેમા પર રાજ કરનારી અભિનેત્રીમાંની એક હતી. હાલમાં તેની હાલત દયનીય છે. મિતાલી શર્મા મુંબઈનાં રસ્તા પર ભીખ માંગતી અને ચોરી કરતી નજરે ચડી હતી. અભિનેત્રીની સ્થિતિ એટલી ખરાબ છે કે તેણે પોતાનું જીવન ચલાવવા માટે ભીખ માંગવી પડી રહી છે. એક સમય હતો જ્યારે મિતાલી ભોજપુરી ડાયરેક્ટર્સની પહેલી પસંદ રહેતી હતી. રિપોર્ટસ અનુસાર પોલીસે મિતાલી શર્માને હાલમાં પાગલખાનામાં ભરતી કરી છે.

રિપોર્ટસ અનુસાર કોઈ જમાનામાં ભોજપુરી ઈંડસ્ટ્રીની ટોપની અભિનેત્રી મિતાલી થોડા સમય પહેલા મુંબઈનાં રસ્તા પર ભીખ માંગતી અને ચોરી કરતી દેખાઈ હતી. આ બાદ પોલીસે તેને પાગલખાનામાં ભરતી કર્યું છે. જો કે મિતાલી વિશે અત્યારસુધી વધુ કોઈ જાણકારી મીડિયાને મળી નથી. કહેવામાં આવી રહ્યું છે કે મિતાલી શર્મા પોતાના કરિયરને નવી ઊંચાઈ આપવા મુંબઈ આવી હતી પણ અહીં આવીને તે બધું જ ગુમાવી બેઠી.

ભોજપુરી સિનેમામાં જ્યારે મિતાલીનું કરિયર પીક પર હતું ત્યારે અભિનેત્રી હિંદી ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવવા માટે મુંબઈ આવી હતી. જો કે તે બી-ટાઉનમાં સારા પ્રોજેક્ટસ મેળવવામાં નિષ્ફળ રહી અને કેટલાક પ્રોજેક્ટ બાદ તેને કામ મળવાનું જ બંધ થઈ ગયું. મિતાલી મૂળરૂપે દિલ્લીની રહેવાસી હતી અને કથિતધોરણે જ્યારે તેણે મુંબઈ જવાનો નિર્ણય કર્યો હતો ત્યારે તેના પરિવારે પણ તેનો સાથ છોડી દીધો હતો.

મુંબઈમાં કામ મળવાનું બંધ થયા બાદ મિતાલીએ પોતાની રોજી-રોટી કમાવવા માટે મુંબઈનાં લોખંડવાલાનાં રસ્તા પર ભીખ માંગવાનું શરૂ કરી દીધું. પોલીસ અનુસાર મિતાલીને લોખંડવાલામાં જ ચોરી કરતાં પણ પકડવામાં આવ્યું હતું. જ્યારે પોલીસે તેની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો. એટલું જ નહીં મિતાલીએ પોલીસ પર હુમલો પણ કર્યો હતો. મિતાલી હાલમાં માનસિક સમસ્યાઓનો સામનો કરી રહી છે. જેથી તેને થાણે સ્થિત માનસિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે.