જીલ્લા પંચાયતના પ્રમુખથી લઈને દંડક, કારોબારી તેમજ તમામ સમિતિના ચેરમેન પદે પણ મહિલાઓ નિમાઈ.
દાહોદ જીલ્લા પંચાયતમાં છેવટે તમામ સમિતિઓના ચેરમનોની નિયુક્તિ કરવામાં આવી હતી, જેમાં તમામ સમિતિઓનું સુકાન મહિલાઓને સુપ્રત કરી, નોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. જોકે સત્તા પક્ષમાં ૯૫ ટકા મહિલાઓ વિજેતા થઈ છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓ માટે વર્ષોથી ૫૦ ટકા અનામતની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ ભારત સરકાર દ્વારા પણ નારી વંદના અધિનિયમ અંતર્ગત દેશની લોકસભા અને રાજ્યોની વિધાન સભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત બેઠકો રાખવાની જોગવાઈ કરાઈ છે. ત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યમાં કરેલી મહિલા અનામત ની જોગવાઈ પ્રમાણે દાહોદ જીલ્લા પંચાયતની કુલ ૫૦ બેઠકોમાંથી દરેક રાજકીય પક્ષે ૨૫ બેઠકો મહિલાઓને ફાળવવી પડી હતી. ભાજપે પણ તે પ્રમાણે ૫૦% બેઠકો પર મહિલાઓની પસંદગી કરી હતી. તે પૈકી ૨૪ મહિલાઓ અને ૧૩ પુષ ઉમેદવારોએ જીત મેળવતા જીલ્લા પંચાયતમાં ભાજપે ૩૭ બેઠકો સાથે પુન: સત્તા પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ પ્રમુખપદ પણ આદિજાતિ મહિલા માટે અનામત હોવાથી સ્વાભાવિક રીતે મહિલા સભ્યની જ નિયુક્તિ કરાઈ હતી. આ ઉપરાંત કારોબારી સમિતિના ચેરમેન અને દંડક પદે પણ મહિલાઓની નિમણૂક કરાઈ હતી. ત્યારબાદ જીલ્લા પંચાયતની બાકીની તમામ સમિતિઓના ચેરમેન પદે મહિલાઓની જ નિયુક્તિઓ કરી ભાજપે આગામી ચૂંટણીઓના અનુસંધાને મહિલા વોટબેંકને આકપિત કરવાનો પ્રયત્ન કર્યો હોય કેમ લાગી રહ્યું છે. દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધરિયાએ આબાબતે જણાવ્યું હતું કે, પ્રધાન મંત્રીના નેતૃત્વમાં નારી વંદના અધિનિયમ અંતર્ગત લોકસભા અને વિધાનસભામાં પણ મહિલાઓને ૩૩% અનામત આપવાની જોગવાઈ કરાઈ છે, ત્યારે દાહોદ જેવા આદિજાતિ બાહુલ્ય ધરાવતા જીલ્લામાં ખાસ કરીને આદિજાતિ મહિલાઓને પ્રતિનિધિત્વ આપી મહિલાઓને પ્રોત્સાહિત કરવાનો નવતર પ્રયોગ દાહોદ જીલ્લા પંચાયતમાં કરી તમામ સમિતિઓના અધ્યક્ષ પદે મહિલા સભ્યોની જ પસંદગી કરાઈ છે. દાહોદ જીલ્લા પંચાયતના મહિલા હોદ્દેદારો:- પ્રમુખ-ગેમાબેન મોહનિયા, દંડક-મનિષાબેન ભુરીયા, કારોબારી સમિતિ-સંગીતાબેન પટેલ, બાંધકામ સમિતિ-નંદાબેન ક્ટારા, સામાજીક સમિતિ- ભૂરી બેન બારીયા, ન્યાય અને શિક્ષણ- રીંકુબેન ભાભોર, આરોગ્ય સમિતિ-સુમનબેન ડામોર, અપીલ સમિતિ-ગેમાબેન મોહનિયા, સહકાર સમિતિ-
સોનલબેન નાયક, મહિલા અને બાળ વિકાસ સમિતિ ડો. રોશનીબેન પટેલ