
વેરાવળ શહેરમાં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂના વેપાર સામે જુનાગઢ રેન્જ પોલીસે વધુ એક અસરકારક કાર્યવાહી કરી છે. ચોક્કસ અને વિશ્વસનીય બાતમીના આધારે કરવામાં આવેલા દરોડામાં ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની ૫૦૪ બોટલો સહિત રૂ.૧,૦૦,૬૮૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ચાર આરોપીઓ ફરાર થઈ જતાં પોલીસે તેમની શોધખોળ તેજ કરી છે.
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સમગ્ર રેન્જમાં દેશી-વિદેશી દારૂ, જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. રાણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.જી. ચુડાસમા, પીએસઆઈ બી.ડી. માવદિયા, એએસઆઈ રામદેવસિંહ ઇન્દુભા તથા પોલીસ સ્ટાફ વેરાવળ સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે વેરાવળના નાના કોળીવાડા વિસ્તારમાં રહેતો મયુરભાઈ ઉર્ફે મથુર ભીખુભાઈ વાયલુ રેલવે સ્ટેશન પાસેથી ઈંÂગ્લશ દારૂ ભરેલા થેલાઓ લાવી સલાટ હિન્દુ સોસાયટી, ગલી નંબર-૨માં આવેલા ભાડાના રૂમમાં સંતાડી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી દરોડો પાડતાં આરોપી રેક્સીનના થેલાઓમાંથી દારૂની હેરફેર કરતો ઝડપાઈ ગયો હતો.
તપાસ દરમિયાન રૂમમાંથી રોયલ ચેલેન્જ ફાઇન રિઝર્વ વ્હિસ્કી (૧૮૦ એમ.એલ.)ની ૫૦૪ પ્લાસ્ટિક બોટલો મળી આવી હતી. ઉપરાંત એક મોબાઇલ ફોન પણ કબજે લેવામાં આવ્યો હતો. દારૂ અને મોબાઇલ સહિત કુલ રૂ.૧,૦૦,૬૮૦નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
આ સમગ્ર મામલે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(ઈ) અને ૮૧ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીની પૂછપરછના આધારે દારૂના સપ્લાય અને વિતરણના સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે જણાવ્યું છે કે આ ગુનામાં તુલશી ઉર્ફે ભગત રાજાભાઈ વાયલુ, અરજણભાઈ ઉર્ફે વાંદરી વાયલુ, મનસુખભાઈ દામજીભાઈ ચોરવાડી તથા અનિલભાઈ કાળાભાઈ બારીયા હાલ ફરાર છે અને તેમની ધરપકડ માટે અલગ-અલગ ટીમો કામે લાગી છે.
ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જુનાગઢ રેન્જમાં દારૂ, જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કોઈપણ સંજાગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. અસામાજિક તત્વો સામે આગામી દિવસોમાં પણ વધુ કડક અને સતત કાર્યવાહી ચાલુ રહેશે. આ સફળ કામગીરી બદલ પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. રાણા, પીએસઆઈ આર.જી. ચુડાસમા, પીએસઆઈ બી.ડી. માવદિયા, એએસઆઈ રામદેવસિંહ ઇન્દુભા તથા સમગ્ર પોલીસ સ્ટાફની કામગીરી પ્રશંસનીય રહી હોવાનું પોલીસ તંત્રએ જણાવ્યું છે.