
સાઠંબા તાલુકાના આમોદરા ગામે દિવ્યાંગ વ્યક્તિ પર થયેલા જીવલેણ હુમલામાં તેમનું મૃત્યું નીપજતાં મામલો હત્યામાં પલટાયો છે. ગત ૨૪ જુલાઈના રોજ અસામાજિક તત્વોએ આમોદરા ગામના જગદીશભાઈ વાલ્મિકી પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા જગદીશભાઈને શરૂઆતમાં પૂરતી સારવાર મળી ન હતી. પરિવાર પાસે આર્થિક સગવડ ન હોવાથી સમયસર સારવાર ન કરાવી શકતા તેમની તબિયત વધુ લથડી હતી.
ત્યારબાદ તેમને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ઘટનાની ગંભીરતા વધતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. જગદીશભાઈ વાલ્મિકીના મૃતદેહને પોલીસ બંદોબસ્ત વચ્ચે આમોદરા ગામે લાવવામાં આવ્યો હતો, જ્યાં પરિવારજનો અને ગ્રામજનોની હાજરીમાં તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે હુમલાની ઘટનાના પાંચ દિવસ બાદ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે, અને આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં શોક અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
સાઠંબા પોલીસ મથક હદના આમોદરા ગામે ૨૪ જુલાઈએ થયેલા મારામારીના બનાવમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા જગદીશભાઈ સોલંકી (વાલ્મિકી)નું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. ડીવાયએસપી ડી.પી. વાઘેલાએ જણાવ્યું હતું કે, બનાવ અંગે નોંધાયેલા ગુનામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ મૃતકના મોત બાદ ગુનામાં જરૂરી કાનૂની કલમો ઉમેરી આગળની તપાસ સાઠંબા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.