પાંચ લાખના તોડના આક્ષેપથી ગીર સોમનાથ પોલીસમાં ખળભળાટ,બે પીએસઆઇ સસ્પેન્ડ

ગીર સોમનાથ જિલ્લાના ચર્ચાસ્પદ હોટલ રોયલ મેન્શન જુગાર રેડ પ્રકરણમાં મોટો વળાંક આવ્યો છે. જુગાર રેડ બાદ પોલીસ અધિકારીઓ સામે ઉઠેલા ગંભીર આક્ષેપોને પગલે જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચૂડાસમાએ કડક કાર્યવાહી કરતાં એસઓજીના પીએસઆઇ ડી.એમ. કાગડા અને તત્કાલીન ન્ઝ્રમ્માં ફરજ બજાવતા તથા હાલ લીવ રિઝર્વમાં રહેલા પીએસઆઇ એચ.એલ. જેબલિયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. આ કાર્યવાહી બાદ સમગ્ર પોલીસ વિભાગમાં ભારે ચર્ચા જાગી છે.

મળતી માહિતી મુજબ, ૨૦ જુલાઈની મધરાતે વેરાવળ-કોડીનાર હાઇવે પર કાજલી-બાદલપરા નજીક આવેલી હોટલ રોયલ મેન્શનમાં ન્ઝ્રમ્એ દરોડો પાડી સાત વ્યક્તિઓને તીનપત્તી રમતાં ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂ. ૪.૭૩ લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો. જાકે, આ કાર્યવાહી દરમિયાન સ્થળ પર હાજર રહેલી એક મહિલા પીએસઆઇને આરોપી તરીકે દર્શાવવામાં ન આવી હોવાના અને તેમની પાસેથી આશરે પાંચ લાખ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો બાદ સમગ્ર કેસ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, બાદમાં સંબંધિત મહિલા પીએસઆઇને અન્ય કારણોસર સસ્પેન્ડ કરવામાં આવતાં તેમણે સીધા જ જૂનાગઢ રેન્જ આઇજી રાજેન્દ્રસિંહ ચૂડાસમા સમક્ષ રૂબરૂ રજૂઆત કરી હતી. રજૂઆતમાં તેમણે જુગાર રેડ દરમિયાન બનેલી સમગ્ર ઘટનાની સ્ફોટક વિગતો રજૂ કરી હતી. આ રજૂઆતને ગંભીરતાથી લઈ રેન્જ એ તાત્કાલિક પ્રાથમિક તપાસના આદેશ આપ્યા હતા.

તપાસ દરમિયાન મહિલા પીએસઆઇ દ્વારા કરવામાં આવેલા કેટલાક આક્ષેપોને સમર્થન મળ્યું હોવાનું તેમજ રેડ દરમિયાન ગેરરીતિ અને બેદરકારી સામે આવી હોવાનું પોલીસ વિભાગે સત્તાવાર રીતે જણાવ્યું છે. તેના આધારે બંને પીએસઆઇ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. રેન્જ આઇજી રાજેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે સમગ્ર પ્રકરણની વધુ વિભાગીય અને કાયદેસરની તપાસ ચાલુ છે અને તપાસમાં જે કોઈ પણ જવાબદાર જણાશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ સમગ્ર પ્રકરણ બાદ ગીર સોમનાથ પોલીસમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પોલીસ બેડામાં એવી પણ ચર્ચા છે કે તપાસનો વ્યાપ વધશે તો હજુ કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ પણ કાર્યવાહીનો સામનો કરી શકે છે. હવે સમગ્ર તપાસના અંતિમ અહેવાલ અને આગામી પગલાં પર સૌની નજર મંડાઈ છે.