
વડોદરામાં ક્રાઈમ બ્રાન્ચે બાળ તસ્કરીના ગંભીર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. નેશનલ હાઈવે નંબર-૪૮ પર આવેલી હોટલ પાસેથી ક્રાઈમ બ્રાન્ચે એક પતિ-પત્નીને નવજાત બાળક સાથે ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, આ બાળકને મુંબઈમાં વેચવા માટે લઈ જવાતું હતું. તપાસમાં નવજાત બાળકના વેચાણ માટે રૂ.૩ લાખનો સોદો નક્કી થયાની વિગતો સામે આવી છે. સમગ્ર મામલે પતિ-પત્ની સહિત અનેક લોકોની સંડોવણી સામે આવી છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ક્રાઈમ બ્રાન્ચને તા.૨૮ જુલાઈની રાત્રે બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર-૪૮ પર આવેલી લેઝન્ડ હોટલ ખાતે એક બસમાં એક પુરુષ, એક મહિલા અને તેમની સાથે બાળકો છે. તેમની પાસે રહેલું તાજું જન્મેલું નવજાત બાળક વેચાણ માટે બહારગામ લઈ જવાઈ રહ્યું હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
પોલીસે સ્થળ પરથી મનોજભાઈ કેશાભાઈ રાવળ, ઉંમર ૩૮ વર્ષ, અને તેની પત્ની વિણાબેન, ઉંમર ૩૨ વર્ષ, બંને મૂળ સતલાસણ, મહેસાણા તથા તેમની સાથે રહેલા ૮ વર્ષના બાળકને ઝડપી તપાસ હાથ ધરી હતી. તેમની કસ્ટડીમાંથી અંદાજે આઠ દિવસનું નવજાત બાળક પણ મળી આવ્યું હતું. નવજાત બાળક અંગે પતિ-પત્ની શરૂઆતમાં સંતોષકારક માહિતી આપી શક્યા નહોતા. જેથી પોલીસે બાળકને તબીબી સારવાર અને તેના વાલી મળી ન આવે ત્યાં સુધીની સંભાળ માટે એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે મોકલી આપ્યું હતું.
પોલીસની સઘન પૂછપરછમાં કથિત રીતે સમગ્ર નેટવર્કની વિગતો સામે આવી હતી. તપાસ મુજબ, તા.૨૭ જુલાઈએ મનોજની પત્ની વિણાબેનના ભાઈ સુનિલ રાવળે એક નવજાત બાળક તેમને આપ્યું હતું. પોલીસ તપાસ મુજબ, બાળકને વેચાણ માટે મુંબઈ લઈ જવાનો કારસો રચાયો હતો. બાળકના વેચાણની રકમ રૂ.૩ લાખ નક્કી થઈ હોવાનું અને તેમાં અલગ-અલગ વ્યક્તિઓને કમિશન આપવાની વાત સામે આવી છે. મનોજ અને તેની પત્નીને પણ બાળક મુંબઈ પહોંચાડવા બદલ રૂ.૨૦ હજાર આપવાની વાત થઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
બાળકને મુંબઈ લઈ જવા માટે સુનિલ રાવળે મનોજને મુંબઈના એક વ્યક્તિનો મોબાઈલ નંબર આપ્યો હતો અને મોબાઈલમાં નેટ ચાલુ રાખવા જણાવ્યું હતું. મુંબઈ પહોંચ્યા બાદ ફોન પર જે સ્થળ જણાવવામાં આવે ત્યાં બાળક સાથે ઉતરવાની સૂચના આપવામાં આવી હતી. આ રીતે પતિ-પત્ની પોતાના ૮ વર્ષના બાળક સાથે નવજાત બાળકને લઈને મુંબઈ જવા નીકળ્યા હતા. જાકે, વડોદરા નજીક હોટલ પર પહોંચતા જ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે તેમને ઝડપી લીધા અને નવજાત બાળકને બચાવી લીધું. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે, નવજાત બાળકનો જન્મ ૬ જુલાઈ, ૨૦૨૬ના રોજ બનાસકાંઠા જિલ્લાના દાંતા ખાતે આવેલી હોસ્પિટલમાં થયો હતો. બાળકના માતા-પિતા સાબરકાંઠા જિલ્લાના રહેવાસી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ, આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા પરિવારને લક્ષ્ય બનાવી નવજાત બાળકને વેચવાનો કારસો રચાયો હતો. તપાસમાં શ્રવણ નામના વ્યક્તિ મારફતે બાળક મેળવવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે. ત્યારબાદ નગીન અને સુનિલ રાવળ મારફતે બાળક મનોજ અને તેની પત્ની સુધી પહોંચ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. એટલું જ નહીં, પોલીસ તપાસમાં સુનિલ રાવળે છેલ્લા દોઢ મહિનામાં બનાસકાંઠા જિલ્લાના ત્રણ અલગ-અલગ મહિલાઓના નવજાત બાળકોને એજન્ટો મારફતે મુંબઈમાં વેચવામાં આવ્યા હોવાની માહિતી આપી હોવાનું જણાવાયું છે.