પાવીજેતપુરના રેલ્વે ગરનાળાનો નવો બનાવેલ સીસી રોડ છ મહિનામાં બિસ્માર

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતેથી પસાર થતાં નેશનલ હાઈવે નં.-૫૬ ઉપર આવેલા રેલ્વે ગરનાળાનો રસ્તો માત્ર છ મહિના અગાઉ જ લાખો ‚પિયાના ખર્ચે નવો બનાવેલો આરસીસી રસ્તો અત્યારે તુટી જતાં ખાડા પડી ગયા છે. તંત્રની તકલાદી કામગીરીના કારણે વાહનચાલકો હેરાન થઈ રહ્યા છે.

પાવીજેતપુર રેલ્વે ગરનાળા પાસે ૬ માસ પુર્વે જ વાહન વ્યવહાર સરળ બનાવવા માટે રેલ્વે દ્વારા નવુ આરસીસી લેયર બનાવાયુ હતુ. પરંતુ વરસાદી પાણીના યોગ્ય નિકાલ નહિ થતાં પાણી ભરાઈ જતાં રસ્તો ઉખડી જતાં મોટા ખાડા પડી ગયા છે. સ્થાનિકો અને વાહનચાલકો મુજબ તાજેતરમાં જ મુખ્યમંત્રી આવ્યા હતા. તે સમયે અગાઉ માત્ર દેખાડા પુરતુ ખાડા પુરી દીધા હતા. પરંતુ તંત્રની કામગીરી તકલાદી હોવાથી થોડા જ સમયમાં આ મુખ્ય માર્ગ પર ખાડા પડી જતાં પસાર થતાં વાહનચાલકો તથા મોટા વાહનોને આ ખાડાથી અકસ્માતની ભિતી સેવાઈ રહી છે. લોકોમાં તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળ્યો છે. આ અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા નકકર તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.