
અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, દાહોદ સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓને ભવિષ્યની કારકિર્દી અંગે યોગ્ય દિશા અને માર્ગદર્શન મળે તે હેતુથી “Seminar on Career Counseling & Guidance” નું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં નિષ્ણાત વક્તા શ્રી પ્રમોદ કાટકર દ્વારા કારકિર્દી આયોજન, ઉચ્ચ શિક્ષણની તકો, સરકારી તથા ખાનગી ક્ષેત્રમાં ઉપલબ્ધ રોજગારની તકો, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, વ્યક્તિત્વ વિકાસ, સંવાદ કૌશલ્ય, રિઝ્યૂમે તૈયાર કરવાની પદ્ધતિ તથા ઇન્ટરવ્યૂ માટેની તૈયારી જેવા મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને પોતાની રૂચિ અને ક્ષમતા અનુસાર યોગ્ય કારકિર્દીની પસંદગી કરવા તેમજ સતત કૌશલ્ય વિકાસ માટે પ્રેરિત કર્યા હતા.
કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના કારકિર્દી સંબંધિત પ્રશ્નોના નિરાકરણ મેળવ્યા હતા. સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા અધ્યાપકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. જી. જે. ખરાડીના માર્ગદર્શન હેઠળ તથા UDISHA પ્લેસમેન્ટ સેલના અધિકારી ડૉ. વિશાલ આર. જૈનના આયોજન અને સંકલનથી સફળતાપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમનું સંચાલન સના પઠાણ દ્વારા કરવામાં આવ્યું હતું.
અંતે ઉપસ્થિત સૌએ નિષ્ણાત વક્તા શ્રી પ્રમોદ કાટકર તથા નવજીવન સાયન્સ કોલેજ અને UDISHA પ્લેસમેન્ટ સેલનો વિદ્યાર્થીઓના કારકિર્દી વિકાસ માટે આયોજિત આ ઉપયોગી અને પ્રેરણાદાયી કાર્યક્રમ બદલ આભાર વ્યક્ત કર્યો.