હાલોલ ટોલનાકા પાસે નશામાં ધુત ટ્રેલર ચાલકે વાહનોને અડફેટે લેતા 8 ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા

હાલોલ ટોલનાકા નજીક વડોદરા તરફથી આવતા નશામાં ધુત ટ્રેલર ચાલકે આગળ ચાલતી ઈકો કારને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ટ્રેલરની અડફેટે આવેલ ઈકોનો દરવાજો તુટીને સર્વિસ રોડ પર બાઈક સવાર પર પડતા વિચિત્ર ટ્રીપલ અકસ્માતને કારણે હાલોલ ટોલટેકસ પર એક તરફનો વાહન વ્યવહાર થંભી ગયો હતો. અને વાહનની લાંબી કતારો લાગી હતી. અકસ્માત સર્જાતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. અકસ્માતને લઈ કારમાં સવાર પાંચ અને બાઈક પર સવાર બાળકી સહિત કુલ આઠ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હાલોલની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા. જયાં ગંભીર રીતે ધવાયેલા ચાર ઈજાગ્રસ્તોને વડોદરા રિફર કરાયા છે. ધટનાને પગલે નશામાં ધુત ટ્રેલર ચાલકે વડોદરાથી હાલોલ સુધી આવતા સંખ્યાબંધ વાહનોને અડફેટે લઈ ભાગતા ટ્રેલરનો પીછો કરતા લોકો હાલોલ સુધી આવી પહોંચ્યા હતા. ધટનાની જાણ થતાં પોલીસ પણ ધટના સ્થળે આવી પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.