
નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી, નવી દિલ્હીના સૂચન અન્વયે મહીસાગર જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આજે તા. ૧૧ મી જુલાઈ, ૨૦૨૬ ના રોજ જીલ્લામાં નેશનલ લોક અદાલતનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય જીલ્લા ન્યાયાધીશ એમ.એન.ગડકરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ લોક અદાલતમાં પક્ષકારો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો.
દિવસ દરમિયાન જીલ્લાની વિવિધ અદાલતોમાં સમાધાન પાત્ર પ્રિલિટીગેશનના ૮૨૬૮ અને પેન્ડિંગ ૧૬૦૦ કેસ મળીને કુલ ૯૮૬૮ કેસોનો સફળતાપૂર્વક ફેસલો કરવામાં આવ્યો છે. આ લોક અદાલતમાં મોટર અકસ્માત, બેંક લેણા, ચેક રીટર્ન, સામાન્ય મારામારીના સમાધાન પાત્ર કેસો, મિલકત સંબંધી દાવાઓ, લગ્ન સંબંધી કેસો, સમાધાન પાત્ર વીજળી તથા પાણીના બિલના કેસો, જમીન સંપાદનના કેસો અને સર્વિસ મેટર વગેરે પ્રકારના કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો હતો.
અત્રે નોંધનીય છે નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી દ્વારા સમાધાન વડે કેસોનો નિકાલ થાય તે હેતુથી લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે. લોક અદાલતને કારણે લોકોના નાણાં અને સમયની મોટી બચત થાય છે તથા ’બન્ને ધરે દીવા થાય છે’ તેવી ભાવના સાર્થક થાય છે. લોક અદાલત એ સમાજ માટે તકરાર નિવારણનો સુવર્ણ માર્ગ છે. અહીં આવેલ કેસોનો ચુકાદો આખરી હોય છે, જેમાં અપીલની કોઈ જોગવાઈ હોતી નથી અને પક્ષકારોને અન્ય કોઈ આર્થિક ખર્ચ પણ થતો નથી.
મહીસાગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ કે.ટી.ગુરનાની અને સમગ્ર ટીમ દ્વારા આ નેશનલ લોક અદાલતને સફળ બનાવવા અને પક્ષકારોને યોગ્ય માર્ગદર્શન પૂં પાડી સત્વરે ન્યાય અપાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.