અંત્યોદય યોજના હેઠળ અપાતો અનાજનો જથ્થો ધટાડવાના પ્રસ્તાવના ઉગ્ર વિરોધ સાથે મહિલા સંગઠને કલેકટરને આવેદન આપ્યુ

પંચમહાલ જિલ્લાના શહેરા અને ઘોઘંબા તાલુકાના સક્રિય પાનમ/દેવગઢ મહિલા સંગઠન દ્વારા ગોધરા ખાતે અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી હતી.

આ રજુઆતમાં જણાવ્યુ હતુ કે, દલિત આદિવાસી અને વિધવા મહિલાઓ સહિતના અતિ વંચિત પરિવારોના હિતમાં અંત્યોદય અન્ન યોજના હેઠળ મળતા અનાજના જથ્થામાં સુચિત ધટાડાને તાત્કાલિક અસરથી રોકવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. હાલમાં આ અંત્યોદય યોજના હેઠળ રેશનકાર્ડ દીઠ મળતા ૩૫ કિલો અનાજના જથ્થાને ધટાડીને પ્રતિ વ્યક્તિ ૭ કિલો કરવાનો પ્રસ્તાવ છે. જેનાથી ગરીબ પરિવારો ભારે ચિંતિત છે. મહિલા સંગઠને સ્થાનિક સ્તરે કરાયેલા અન્ન સુરક્ષા અભ્યાસ-૨૦૨૫ ના ચિંતાજનક આંકડા રજુ કરતા જણાવ્યુ હતુ કે, મોૈસમની અનિશ્ર્ચિતતા અને મજુરી કામની અછતને કારણે ગ્રામ્ય વિસ્તારમાં ભુખમરાની સ્થિતિ વણસી રહી છે. જેથી રેશનિંગનુ અનાજ જ તેમનો મુખ્ય સહારો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંગઠન દ્વારા મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે કે, અંત્યોદય યોજના હેઠળ રેશનકાર્ડ દીઠ ૩૫ કિલો અનાજનો જથ્થો યથાવત રાખવામાં આવે. આ ઉપરાંત ગરીબ પરિવારોને અનાજ સાથે દાળ, તેલ, કઠોળ, ખાંડ અને મીઠું વિનામુલ્યે પુ‚ પાડવામાં આવે. સાથો સાથ વિધવા, અશકત અને લાંબી બિમારી ધરાવતા લોકોને પણ આ યોજનામાં અચુક આવરી લેવામાં આવે અને રેશનકાર્ડ તથા આધારકાર્ડ સંબંધિત વહીવટી પ્રક્રિયાઓને સરળ કરવા માટે ગ્રામ્ય સ્તરે વિશેષ સહાય કેન્દ્રો શ‚ કરવામાં આવે.