
ભાડાની દુકાનમાં ક્લિનિક ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો ઝોળાછાપ ડોક્ટર પકડાયો.
ગઈકાલે પેટ્રોલિંગમાં નીકળેલ દાહોદ એસ ઓ જી પોલીસની ટીમે પોતાને મળેલ બાતમીને આધારે દાહોદ રાબડાળ, મુવાલિયા ક્રોસિંગ પાસે એક દુકાન ભાડે રાખી તેમાં મેડિકલ ડીગ્રી કે પ્રમાણપત્ર વિના ક્લિનિક ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં એક ઝોળાછાપ ડોક્ટરને પકડી પાડી, જુદા જુદા પ્રકારની દવા-ગોળીઓ, ઈન્જેકશનો, બોટલો તથા અન્ય મેડિકલ દવા સારવાર કરવાની સાધન-સામગ્રી વગેરે પકડી પાડી કબજે લીધાનું જાણવા મળ્યું છે.
મળેલ વિગત મુજબ દાહોદ એસ.ઓ.જી. વિભાગના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.કે રાણાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ-એસ.યુ. જોશી તેમના સ્થાપના પોલીસ કર્મીઓ હેડ કોન્સ્ટેબલ દિવાનભાઈ જમસીંગભાઈ તથા હેડ કોન્સ્ટેબલ સુનિલકુમાર મધુરભાઈ વગેરે ગઈકાલે દિવસ દરમિયાન પેટ્રોલિંગમાં હતા. તે વખતે હેડ કોન્સ્ટેબલ દિવાનભાઈ જામસીંગભાઈને બાતમી મળી હતી કે, દાહોદ રાબડાળ, મુવાલિયા ક્રોસિંગ ખાતે આવેલ મંગળાભાઈ કાળુભાઈ સાસીની ભાડાની દુકાનમાં મેડિકલ ડીગ્રી કે પ્રમાણપત્ર વિના એક ઝોળા છાપ ડોક્ટર અક્ષ નામનું ક્લિનિક ખોલી લોકોની સારવાર કરી સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યો છે. જે બાતમીને આધારે દાહોદ એસ.ઓ.જી. પોલીસની ઉપરોક્ત ટીમ બાતમીમાં દર્શાવેલ સ્થળે ઓચિંતો છાપો મારી મંગળાભાઈ કાળુભાઈ સાસીની ભાડાની દુકાનમાં અક્ષ નામની ક્લિનિકમાંથી ૪૫ વર્ષીય મનોજકુમાર નાથુસિંહ રાઠોડ (વશાજરા)ને કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી કે પ્રમાણપત્ર વિના લોકોની સારવાર કરતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ મેડિકલ ઓફિસરને ઘટના સ્થળે બોલાવી સ્થળ તપાસ હાથ ધરી ક્લિનિકમાંથી જુદા જુદા પ્રકારની દવા-ગોળીઓ, ઈન્જેકશનો, બોટલો તથા અન્ય મેડિકલ દવા સારવાર કરવાના સાધન સામગ્રી મળી પિયા ૧૩,૫૮/-નો મુદ્દા માલ પકડી પાડી કબજે લીધો હતો.
આ સંબંધે દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા પોલીસે આ મામલે ૪૫ વર્ષીય મનોજકુમાર નાથુસિંગ રાઠોડ (વશાજરા) નામના ઝોળાછાપ ડોક્ટર વિદ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ -૧૨૫ તથા ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦,૩ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.