બાલાસિનોર તાલુકામાં ગેરકાયદેસર રીતે નંબર પ્લેટ વિના રેતી તેમજ સફેદ પથ્થરોનુ વહન કરતા ડમ્પરો પર તંત્ર કાર્યવાહી કરે તે જરૂરી

બાલાસિનોર તાલુકામાં ગેરકાયદેસર રીતે નંબર પ્લેટ વિનાના ડમ્પરો ક્ષમતા કરતા વધુ રેતી અને સફેદ પથ્થર ભરી બિન્દાસ્ત ફરતા હોય છે. ત્યારે તંત્ર દ્વારા આવા ડમ્પરો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

બાલાસિનોર નગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી દેૈનિક 50થી વધારે ડમ્પરોમાં ગેરકાયદેસર રીતે તેમજ સફેદ પથ્થરનો કારોબાર ચાલી રહ્યો છે. બાલાસિનોર તાલુકામાં નંબર પ્લેટ વિનાના ડમ્પરોમાં ગેરકાયદેસર રીતે રોયલ્ટી પાસ વગર તેમજ ઓવરલોડ રેતી અને સફેદ પથ્થરની હેરાફેરી કરવામાં આવી રહી છે. ડમ્પરની ક્ષમતા કરતા વધુ રેતી અને સફેદ પથ્થર ભરી ધોળા દિવસે હેરાફેરી કરવામાં આવી રહી હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે. ગુજરાત પરીવહન વિભાગના નિયમો નેવે મુકીને નંબર પ્લેટ વગરના ડમ્પરોમાં રેતી તેમજ સફેદ પથ્થરની હેરાફેરી કરવામાં આવી રહી હોવા છતાં તંત્ર મુકપ્રેક્ષક બન્યુ છે. જોખમી રીતે સફેદ પથ્થર તેમજ રેતીભરીને જતા ડમ્પરોના પાછળના ભાગમાં લાઈટિંગ કે રેડિયમ પણ લગાવવામાં આવતુ નથી. જેના પરિણામે પાછળથી આવતા વાહનો ડમ્પરમાં અથડાવી અકસ્માત સર્જાવવાની ધટનાઓ બનતી હોય છે. બીજી બાજુ રોયલ્ટી ભર્યા વિના ગેરકાયદેસર સફેદ પથ્થર તેમજ રેતીનો કાળો કારોબાર તંત્રની મિલીભગતથી ચાલી રહ્યો હોવાના પણ આક્ષેપો ઉઠ્યા છે. વહેલી તકે તંત્ર દ્વારા સફેદ પથ્થર તેમજ રેતીની હેરાફેરી કરતા ડમ્પરો રોકી તેના માલિક સામે કાર્યવાહીની માંગ ઉઠી છે.