મોટી મંગોઈ ગામ પાસે આવેલી ઉજજવળ નદી પરના પુલની જર્જરિત સ્થિતિને કારણે હેવી વાહનોના અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવતા સમગ્ર પંથકમાં પરીવહનની સમસ્યાઓ ઉભી થઈ છે. પુલ પરથી હેવી વાહનોને ડાયવર્ટ ન આપતા અને પુલ ચાર મહિના પુર્વે બંધ થતા આ માર્ગ પરથી ચાલતી બસ સેવાઓ પણ બંધથવા પામી છે. જેના કારણે રોજિંદા મુસાફરો, વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક નાગરિકોને ગંભીર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દે.બારીઆ, સાકરાળા-બામરોલી માર્ગને ઘોઘંબા સાથે જોડતો આ પુલ કાટુ, ગજાપુરા, ગુંદી, ચાઠી, માલમહુડી, ભીખાપુરા સહિત અનેક ગામોને એકમાત્ર સુવિધાસભર માર્ગ પ્રદાન કરે છે. પુલ જર્જરિત બનતા તેને બંધ કરવામાં આવ્યો હોવા છતાં નવા પુલના નિર્માણ અંગે કામગીરી શરૂ ન થતાં લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે. વડોદરા તેમજ સુરત તરફ જતી દે.બારીઆની અનેક બસ સેવાઓ આ માર્ગ પરથી પસાર થતી હતી. રોડ બંધ થતાં આ તમામ રૂટ અચાનક બંધ થઈ જતાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જવા તેમજ નાગરિકોને પાવાગઢ દર્શને અથવા અન્ય કામકાજ માટે બહાર જવામાં મુશ્કેલી પડી રહી છે.