
રાજકોટ શહેરમાં પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ મોટા પાયે આંતરિક બદલી પ્રક્રિયા હાથ ધરી છે. શહેર પોલીસ બેડામાં કાર્યક્ષમતા વધારવા, વિવિધ વિભાગોમાં સમજપૂર્વક ફેરબદલી કરીને કુલ ૨૨ પીએસઆઇની આંતરિક બદલી કરવામાં આવી છે. આ અચાનક કરવામાં આવેલી બદલીથી પોલીસ તંત્રમાં હલચલ મચી છે અને નવા ચહેરાઓને નવી જવાબદારીઓ સંભાળવાની તક મળી છે.
આ બદલી મુજબ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પીએસઆઇ એ. એસ. ગરચરને ઇઓડબ્લ્યુ (ઇકોનોમિક ઓફેન્સ વિંગ) વિભાગમાં બદલી કરવામાં આવી છે. આથક ગુનાઓની તપાસમાં તેમનો અનુભવ ઉપયોગી બને તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. એ જ રીતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ. વી. જાડેજાને એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)માં ખસેડવામાં આવ્યા છે. ગંભીર ગુનાઓ અને ખાસ ઓપરેશન્સમાં એસઓજીની મહત્વની ભૂમિકા હોય છે, જેથી આ બદલી ખાસ ગણાઈ રહી છે.
પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર. કે. ગોહિલને ક્રાઈમ બ્રાન્ચમાં બદલી કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચમાં અનુભવી અધિકારીઓની જરૂરિયાતને યાનમાં રાખીને ગોહિલને આ નવી જવાબદારી સોંપવામાં આવી છે. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા કરવામાં આવેલી આ આંતરિક ફેરબદલીને શિસ્ત, કાર્યક્ષમતા અને વિભાગીય સંતુલન જાળવવાનો પ્રયત્ન ગણવામાં આવે છે. ૨૨ પીએસઆઇની આંતરિક બદલીઓ પૂર્ણ થતા હવે પોલીસ વિભાગમાં પીઆઇ સ્તરે પણ ટૂંક સમયમાં આંતરિક બદલી કરવામાં આવશે એવી સત્તાવાર સૂચનાઓ મળી રહી છે.
આ ફેરબદલીઓ બાદ પોલીસ બેડામાં નવા ઉત્સાહ સાથે અધિકારીઓ પોતાની નવી જગ્યાએ કાર્યભાર સંભાળશે તેવી અપેક્ષા છે. આંતરિક બદલી જેવી પ્રક્રિયાઓ પોલીસ વિભાગને વધુ મજબૂત, ચુસ્ત અને પ્રતિસાદક્ષમ બનાવવા માટે સમયે સમયે કરવી જરૂરી હોતી હોય છે, અને રાજકોટમાં થયેલી આ મોટા પાયાની બદલી તે જ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.