
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના આસરસા દરિયાકાંઠે બનેલી દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.ઓએનજીસીના તેલ ઉત્ખનન (ઓઈલ ડ્રિલિંગ) સાઈટ પર કામ કરવા જઈ રહેલા શ્રમજીવીઓની બોટ અચાનક પલટી જતા એક કામદારનું મોત થયું છે, જ્યારે એક કામદાર પાણીમાં લાપતા હોવાનું જાણવા મળ્યું છે. બોટમાં કુલ ૫૦ જેટલા કામદારો સવાર હતા અને ઘટનાસ્થળે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
ઘટના વખતે દરિયામાં પવન અને ઉંચી લહેરો હોવાના કારણે બોટનું બેલેન્સ બગડ્યું હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. બોટ પલટી જતા પાણીમાં પડેલા કામદારો પોતાનો જીવ બચાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. સ્થાનિક માછીમારો અને રેસ્ક્યૂ ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી અને મોટાભાગના કામદારોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટના બાદ ૧૦૮ એમ્બ્યુલન્સને સ્થળે બોલાવવામાં આવી હતી. પાણીમાંથી બહાર કાઢેલા અને ઘાયલ કામદારોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કેટલાક કામદારોને શ્ર્વાસ લેવામાં તકલીફ અને શારીરિક ઈજા થતા આરોગ્ય વિભાગે તાત્કાલિક મેડિકલ સહાય પૂરી પાડી હતી.
દુર્ઘટનામાં મોતને ભેટેલા કામદારના પરિવારજનો શોકમગ્ન બન્યા છે. મૃતકના પુત્ર બંટીભાઈએ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે, “કામ પર જતાં શ્રમજીવીઓને સેટી જેકેટ અથવા બીજા કોઈ રક્ષણાત્મક સાધનો આપવામાં આવતાં ન હતા. કંપની માત્ર કામદારોને દરિયામાં મોકલે છે, તેમની સુરક્ષા માટે કઈ જ વ્યવસ્થા નથી કરતી. આજે મારા પિતાનો જીવ આ બેદરકારીને લીધે ગયો.”
પરિવારજનોએ વધુમાં માંગણી કરી છે કે કંપની અને સંબંધિત તંત્ર જવાબદારી સ્વીકારી યોગ્ય વળતરની વ્યવસ્થા કરે. તેઓએ સરકારને પણ બનતા બનાવની તપાસ કરી દોષિત સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે.
આ સમગ્ર બનાવની જાણ થતાં જ જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી તાત્કાલિક રેફરલ હોસ્પિટલ પહોંચી ગયા હતા. તેમણે ઘાયલ કામદારોની મુલાકાત લઇ તેમની તબિયત વિષે માહિતી મેળવી હતી. સ્વામીએ કહ્યું હતું કે, “આ ઘટના અત્યંત દુ:ખદ છે. કામદારોની સલામતી બાબતે બેદરકારી હોય તો તેની તપાસ કરાશે અને જવાબદાર સામે કડક કાર્યવાહી થશે. હાલ ઘાયલની સારવાર માટે તમામ સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.”
ઓએનજીસી દ્વારા દરિયામાં ચાલતી વિવિધ પ્રોજેક્ટ્સ માટે હજારો શ્રમજીવી રોજીરોટી માટે કાર્યરત છે. પરંતુ દરિયા માર્ગે જતા કામદારોની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા છે કે નહીં તે મુદ્દે વર્ષોથી પ્રશ્ર્નો ઉભા થતા રહ્યા છે. દરિયામાં નોકરી કરતાં શ્રમજીવીઓને સેટી જેકેટ, લાઈફ બોટ, લાઈફ રિંગ, તથા ટ્રેનીંગ પૂરું પાડવાની ફરજિયાત વ્યવસ્થા હોવી છતાં અમલમાં ગેરરીતિઓ જોવા મળે છે.
આ બનાવે ફરી એકવાર સિસ્ટમમાં રહેલા ગેપને બહાર લાવ્યા છે. રોજ રોજ નોકરી માટે ઘર છોડતો શ્રમિક, પેટે ભરણપોષણ માટે જોખમ લે છે, પરંતુ તેની સુરક્ષા માટે કોને જવાબદાર ગણવી? કામદારનું જીવન માત્ર એના કમાણીના હકમાં નહિ પરંતુ સુરક્ષાના હકમાં પણ મહત્વનું છે. હાલ, લાપતા કામદારની શોધ માટે દરિયાકાંઠે દ્ગડ્ઢઇહ્લ અને સ્થાનિક રેસ્ક્યૂ ટીમ સતત પ્રયત્નો કરી રહી છે. મૃતકના પરિજનોને હોસ્પિટલ તંત્ર અને પ્રશાસન દ્વારા સાંત્વન આપવામાં આવ્યું છે.