ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ભાજપે પાટણ, સિદ્ધપુર નગરપાલિકા તેમજ તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે આ યાદીમાં દિગ્ગજ ચહેરાઓને પડતાં મૂકી નવા ચહેરાઓને ટિકીટ આપી છે. જિલ્લા પંચાયતની ૩૨માંથી ૩૦ બેઠકો પર નામ જાહેર કરાયા છે. ૨ બેઠકો પર ખેંચતાણના કારણે ઉમેદવારના નામ બાકી છે.
જિલ્લા પંચાયતની કુલ ૩૨ બેઠકોમાંથી ભાજપે હાલ ૩૦ બેઠકો પર ઉમેદવારોના નામ સ્પષ્ટ કરી દીધા છે. જાકે, હજુ પણ ૨ બેઠકો પર ઉમેદવાર નક્કી કરવામાં પક્ષને મુશ્કેલી પડી રહી હોય તેવું જણાય છે. આ બેઠકો પર આંતરિક ખેંચતાણ અને જ્ઞાતિગત સમીકરણોને કારણે નામ જાહેર કરવાનું બાકી રાખવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આ બાકી રહેલી બેઠકો પર મહોર મારવામાં આવશે તેવી શક્્યતા છે.
પાટણ પાલિકાના વોર્ડ નંબર ૭ માં ઉમેદવારની પસંદગીને લઈને મોટું કોકડું ગૂંચવાયું છે. આ વોર્ડમાં દાવેદારોની સંખ્યા વધુ હોવાથી અને સ્થાનિક સ્તરે વિરોધની શક્્યતાને જાતા હજુ સુધી કોઈ આખરી નિર્ણય લઈ શકાયો નથી. ભાજપના હાઈકમાન્ડ દ્વારા આ મામલે મધ્યસ્થી કરવામાં આવી રહી છે જેથી ચૂંટણી સમયે કોઈ આંતરિક વિખવાદ ઊભો ન થાય.
આ વખતની ટિકિટ ફાળવણીમાં ભાજપે આક્રમક વલણ અપનાવ્યું છે. સંગઠન દ્વારા લેવાયેલા આકરા નિર્ણયમાં અનેક દિગ્ગજ નેતાઓના નામ કાપી નાખવામાં આવ્યા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલ પરમાર, ઉપપ્રમુખ હિના શાહ અને કારોબારી ચેરમેન મુકેશ પટેલને ફરી તક આપવામાં આવી નથી. ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલ ઠાકોરનું નામ પણ યાદીમાં નથી.
ભાજપના નવા માર્ગદર્શક નિયમો મુજબ જે નેતાઓએ લાંબો સમય સત્તા ભોગવી છે અથવા જેમના વિરુદ્ધ સ્થાનિક સ્તરે અસંતોષ છે, તેમને સ્થાને વફાદાર કાર્યકરોને તક આપવામાં આવી છે. આ યાદીમાં શિસ્ત અને સમર્પણને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પક્ષનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠનને મજબૂત બનાવી બહુમતી સાથે વિજય મેળવવાનો છે.