સરહદ પર દારૂ માફિયાઓ સામે પોલીસનો કરડો પ્રહાર

-ચાકલીયા પોલીસે ૭૫ લાખથી વધુના પ્રોહી મુદ્દામાલ સાથે હરિયાણાના બુટલેગરને દબોચ્યો.

રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા ચાકલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આંતરરાજ્ય સ્તરે થતી દા‚ની ગેરકાયદેસર હેરાફેરીને નેસ્તનાબૂદ કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કડક સૂચનાઓ અને સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આવનારા હોળી-ધુળેટીના તહેવારને ધ્યાનમાં રાખી સરહદી વિસ્તારોમાં ચાકલીયા પોલીસ દ્વારા રાત્રી દરમિયાન સઘન વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

આ કાર્યવાહી દરમિયાન તા. ૦૬/૦૨/૨૦૨૬ના રોજ ટીમ્બી ચેક પોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતી ટાટા કંપનીની બંધ બોડી કંટેનર ગાડી શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવી હતી. કંટેનર ગાડીના ડ્રાઇવરને પૂછપરછ કરતાં તેણે ઉલટસુલટ અને ગલ્લા-તલ્લા જવાબો આપતા પોલીસને અંદર કોઈ ગેરકાયદેસર માલ હોવાની મજબૂત શંકા ઊભી થઈ હતી. પંચોને બોલાવી કંટેનર ખોલી તપાસ કરતાં અંદર ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની વિશાળ માત્રામાં પેટીઓ જોવા મળતા સમગ્ર મામલો ખુલ્લો પડ્યો હતો.

પંચો રૂબરૂ કરાયેલી ગણતરીમાં કુલ ૪૧૬ પેટીઓમાં ભરેલી ૧૩,૭૦૪ બોટલ ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ મળી આવ્યા હતા, જેની કુલ અંદાજીત કિંમત રૂ. ૬૫,૪૭,૬૮૦/- ગણવામાં આવી હતી. દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી ટાટા કંપનીની કંટેનર ગાડીની કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦/- હોવાનું પણ બહાર આવ્યું હતું. આ રીતે કુલરૂ. ૭૫ લાખથી વધુનો પ્રોહી મુદ્દામાલ પોલીસ દ્વારા કાયદેસર રીતે જપ્ત કરવામાં આવ્યો હતો.

આ કાર્યવાહીમાં કાબીલ ઉમર મો. ખાન, ઉંમર ૨૮ વર્ષ, રહેવાસી ઇનાયતપુર, તાલુકો હોડલ, જીલ્લો પલવલ (હરિયાણા) ને રંગે હાથ પકડી લેવામાં આવ્યો હતો. તેની અંગ ઝડતી દરમિયાન એક મોબાઇલ ફોન અને આધારકાર્ડ મળી આવ્યા હતા. જેને તપાસ અર્થે કબજે લેવામાં આવ્યા હતા. જાહેર માર્ગ પર વાહનોની ભારે અવરજવર અને રાત્રીનો સમય હોવાને કારણે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પકડાયેલ આરોપી, કંટેનર ગાડી તથા સમગ્ર મુદ્દામાલ પોલીસ જાપ્તા હેઠળ ચાકલીયા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો.

ચાકલીયા પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર મુદ્દામાલ અંગે વિગતવાર પંચનામું તૈયાર કરવામાં આવ્યું હતું અને ઈ-સાક્ષ્ય એપ્લિકેશન મારફતે સમગ્ર કાર્યવાહીનું વિડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. આરોપી વિરૂદ્ધ ગુજરાત પ્રોહીબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દારૂ કોને પહોંચાડવાનો હતો, પાછળ કયા લોકો અને કયા આંતરરાજ્ય નેટવર્ક સંડોવાયેલા છે તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

ચાકલીયા પોલીસની આ સમયસર અને દ્રઢ કાર્યવાહીથી સરહદી વિસ્તારમાં દા‚ની હેરાફેરી કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુજરાતમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરનાર કોઈપણ તત્વને બક્ષવામાં નહીં આવે અને આવા બુટલેગરો સામે આવી જ કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.