ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ઝાલોદ શહેરમાં ‘સંવિધાન ગૌરવ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બંધારણના મહત્વ અને તેના ઘડવૈયાઓ પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે ભાજપના નેતાઓ, કાર્યકરો અને નગરજનોએ મોટી સંખ્યામાં એકઠા થઈને શ્રદ્ધાપૂર્વક પદયાત્રાનું આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમનો પ્રારંભ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી કરવામાં આવ્યો હતો, જ્યાંથી તમામ કાર્યકરો અને આગેવાનોએ હાથમાં બંધારણની પ્રતિકૃતિ લઈને પદયાત્રાની શરૂઆત કરી હતી. આ પદયાત્રા ઝાલોદ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને બસ સ્ટેશન પાસે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુધી પહોંચી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના ઉદ્દેશોને સમર્થન આપતા કાર્યકરો અને નગરજનો જોડાયા હતા અને બંધારણ પ્રત્યે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. આ ગૌરવપૂર્ણ પ્રસંગે ઝાલોદ નગરપાલિકાના ભાજપના પ્રભારી પંકજભાઈ અગ્રવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ભાજપના અગ્રણી નેતા ભરતભાઈ માળી, ઝાલોદ તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ભાભોર, મુકેશભાઈ પરમાર, ઝાલોદશહેર ભાજપના મયુરભાઈ પંચાલ, મનીષભાઈ પંચાલ, બટુલભાઈ ડામોર અને ટપુભાઈ વસૈયા સહિત નગરપાલિકાના અન્ય સભ્યો અને બહોળી સંખ્યામાં પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. નેતાઓએ આ પ્રસંગે બંધારણના મૂલ્યો અને દેશના વિકાસમાં તેના યોગદાન પર પ્રકાશ પાડયો હતો. આ પદયાત્રા દ્વારા ભાજપે માત્ર રાજકીય શક્તિનું પ્રદર્શન જ નહીં, પરંતુ ડો. બાબા સાહેબ આંબેડકર અને સરદાર પટેલ જેવા મહાપુરૂષોના આદર્શોને સમ્માનિત કરવાનો પણ સંદેશ આપ્યો હતો.