
થોડા દિવસ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં એક કાર્યક્રમમાં આવ્યા હતા, જેમાં એક યુવકે તેમને સ્ટ્રિપ એટલે કે પટ્ટી સ્વરૂપે બનાવેલી દવા બતાવી. એને જીભ પર મૂકતાં જ થોડી જ સેકન્ડમાં એસિડિટી કે સાંધાનો દુ:ખાવો મટી જવાનો દાવો હતો. અમિત શાહે તરત જ યુવક પાસેથી એ સ્ટ્રિપ લીધી અને મોંમાં મૂકી દીધી. આ વીડિયો ખૂબ ચર્ચાનો મુદ્દો બન્યો હતો.
તળેલું, તીખું અને જંક ફૂડ ખાવાના શોખીન લોકોમાં તેમજ ચાની ચુસકી લેનારાઓમાં એસિડિટીની ફરિયાદ સામાન્ય છે. સામાન્ય રીતે આવી સ્થિતિમાં લોકો તરત ગોળી અથવા સોડા સ્વરૂપે ઉપલબ્ધ લિક્વિડનો સહારો લે છે, જોકે એક ગુજરાતી યુવકે આ બંને પદ્ધતિથી તદ્દન અલગ નાનકડી અને ફ્લેવર્ડ ઓરલ સ્ટ્રિપ વિકસાવી છે. આ સ્ટ્રિપને જીભ પર મૂકતાં જ ગણતરીની સેકન્ડોમાં એસિડિટી તેમજ સાંધાના દુખાવામાં રાહત મળવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમણે પાલતું પ્રાણીઓ માટે પણ આ જ પ્રકારની સ્ટ્રિપ્સ તૈયાર કરી છે.
વિટ્રિશિયન ઓરલ સ્ટ્રિપ્સ કેવી રીતે બીમાર લોકોને કામમાં આવે છે? આ સ્ટ્રિપનો ઉપયોગ કોણ-કોણ કરી શકે છે? ટેબ્લેટ અને સોડા ફોમ કરતાં ઓરલ સ્ટ્રિપ કેવી રીતે અલગ પડે છે? એનાં ફાયદા-નુકસાન શું છે? વગેરે બાબતે દિવ્ય ભાસ્કરે વિટ્રિશિયન ઓરલ સ્ટ્રિપ્સનું સ્ટાર્ટઅપ કરનાર વત્સલ દીક્ષિત સાથે વાતચીત કરીને જાણકારી મેળવી છે.
વત્સલ દીક્ષિતે MBAનો અભ્યાસ કર્યો છે અને આ જ ક્ષેત્રમાં ભારત અને વિદેશમાં 10થી 12 વર્ષનો અનુભવ મેળવ્યો છે, તેમને આ સ્ટ્રિપ સ્વરૂપે આ દવા બનાવવાનો વિચાર તેમની માતાની બીમારીમાંથી આવ્યો. તેમની માતાને નાનપણથી જ ડાયાબિટીસની ગંભીર બીમારી છે, જેના કારણે તેઓ દિવસ દરમિયાન 10થી 12 અલગ અલગ પ્રકારની દવાઓ લેતા હતા. આ જોઈને વત્સલ દીક્ષિતને થયું કે મારે કંઈક એવું કરવું છે, જેથી મેડિકેશન પ્રક્રિયા સરળ બને અને તેમની માતાને ઓછી દવાઓ લેવી પડે.