
ગુજરાત સાયબર ક્રાઈમ સેન્ટર ઓફ એક્સેલન્સ અને CID ક્રાઈમે 200 કરોડના સાયબર ફ્રોડ પર મોટી કાર્યવાહી કરી છે. મોરબી, સુરેન્દ્રનગર, સુરત અને સાવરકુંડલામાં કાર્યરત આ ગેંગ ‘મ્યુલ એકાઉન્ટ્સ’ મારફતે ફ્રોડના પૈસાને ક્રિપ્ટોકરન્સી (USDT)માં કન્વર્ટ કરી પાકિસ્તાન મોકલતી હતી. તપાસમાં આ નેટવર્કના પાકિસ્તાન સાથે સીધા નાણાકીય સંબંધો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સાયબર ટીમે સમગ્ર દેશમાં ફેલાયેલા 386 સાયબર ગુનાઓ સાથે જોડાયેલા 100થી વધુ મ્યુલ એકાઉન્ટ્સની ઓળખ કરી, પૈસાના પ્રવાહને સાત સ્તરોમાં ટ્રેક કરી ₹10 કરોડની રકમ પાકિસ્તાન પહોંચી હોવાનું બહાર પાડ્યું છે.
CID ક્રાઈમે સુરતમાંથી મુખ્ય આરોપી ચેતન ગંગાણીની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યું કે, આ આરોપીએ માત્ર ચાર મહિનામાં જ આશરે ₹10 કરોડની રકમને USDTમાં કન્વર્ટ કરી પાકિસ્તાની વોલેટ એડ્રેસ પર મોકલી હતી. કુલ ₹29 કરોડના વિદેશી વોલેટમાં આ આરોપી દ્વારા જમા કરાયેલા ₹10 કરોડનો સીધો ટ્રેસ મળ્યો છે. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4), 61(2), 317(2) તથા IT એક્ટની કલમ 66(D) હેઠળ ગુનો નોંધાયો છે.
લખતર APMC માર્કેટમાં શિવમ એન્ટરપ્રાઈઝ નામની પેઢી શરૂ કરીને સાયબર ફ્રોડના રૂ.200 કરોડ વિદેશ મોકલી આપવાના કૌભાંડમાં પોલીસે 6 આરોપીની ધરપકડ કરી હતી. સાયબર સેન્ટર ફોર એક્સિલન્સની ટીમે સાયબર ફ્રોડ કૌભાંડમાં મહેન્દ્ર સોલંકી (મોરબી), રુપેન ભાટીયા (મોરબી), રાકેશ લાણીયા (લખતર), રાકેશકુમાર દેકાવાડીયા (લખતર), વિજય ખાંભલ્યા(સુરત) અને પંકજ કથિરિયા (સુરત)ની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 12 મોબાઈલ અને 2 સીમ મળ્યા હતા અને 100 બેંક એકાઉન્ટની માહિતી મળી આવી હતી. આ બેંક એકાઉન્ટ સામે દેશમાં સાયબર ફ્રોડની 386 ફરિયાદ થઈ છે. ઠગાઈના રૂ.12 કરોડ જમા કરાવનારા 3 આરોપીઓએ આ પૈસામાંથી મોરબીમાં સ્પા સેન્ટર શરૂ કર્યુ હતું. આરોપીઓના ભાગે આવેલા રૂ.50થી 60 લાખમાંથી 3 મહિના પહેલા સ્પા શરૂ કર્યુ હતું.