બનાસકાંઠા: અંબાજીમાં ૧ જાન્યુઆરીથી ૫ મીટરથી વધારે લાંબી ધજા નહીં ચડાવી શકાય

ગુજરાતના પવિત્ર યાત્રાધામ અને જગવિખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિરમાં ધજા ચડાવવાની પરંપરાને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. મંદિરના સુવર્ણ શિખર પર ૧ જાન્યુઆરી ૨૦૨૬થી પાંચ મીટરથી વધુ લાંબી ધજા ચડાવવાની મંજૂરી આપવામાં નહીં આવે. વજદંડની સુરક્ષા અને લાખો યાત્રાળુઓની સલામતીને યાનમાં રાખીને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અંબાજી મંદિરના સોનાના શિખર ઉપર અત્યાર સુધી બાવન ગજ સહિતની લાંબી ધજાઓ ચડાવવાની પરંપરા રહી છે. જોકે, તાજેતરમાં કરવામાં આવેલા ટેકનિકલ સર્વેમાં ખુલ્યું છે કે લાંબી અને ભારે ધજાઓના કારણે આશરે ૧૫ વર્ષ જૂના વજદંડ પર સતત દબાણ પડી રહ્યું છે. આ દબાણના કારણે વજદંડને માળખાકીય નુક્સાન થવાની શક્યતા ઊભી થઈ છે, જે યાત્રાળુઓ માટે જોખમી સાબિત થઈ શકે તેમ છે.

અંબાજી મંદિર ખાતે ધજા ચડાવવાની પરંપરા વર્ષો જૂની છે અને શ્રદ્ધાળુઓ માટે તેનું વિશેષ ધામક મહત્વ છે. પરંતુ ટેકનિકલ નિષ્ણાતોના મતે લાંબી ધજાઓ હવા સાથે વધુ ઝૂલતી હોવાથી વજદંડ પર ભાર વધે છે. ખાસ કરીને પવનની તીવ્રતા વધારે હોય ત્યારે આ જોખમ વધુ વધી જાય છે. આવી સ્થિતિમાં કોઈ દુર્ઘટના સર્જાય નહીં તે માટે અગાઉથી જ સાવચેતીરૂપ પગલું ભરવામાં આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા લેવાયેલા આ નિર્ણય મુજબ હવે અંબાજી મંદિરમાં માત્ર નાની ધજાઓ જ ચડાવવામાં આવશે. પાંચ મીટર સુધીની ધજાઓને મંજૂરી આપવામાં આવશે જેથી પરંપરા પણ જળવાઈ રહે અને સલામતી પણ સુનિશ્ર્ચિત થાય. મંદિર પ્રશાસન દ્વારા આ નિર્ણયની જાણ તમામ ભટ્ટજી મહારાજો અને શ્રદ્ધાળુઓને કરવામાં આવી રહી છે.

મંદિર ટ્રસ્ટનું માનવું છે કે આ નિર્ણયથી ભવિષ્યમાં કોઈ અકસ્માત કે અનિચ્છનીય બનાવ અટકાવી શકાશે. લાખો શ્રદ્ધાળુઓ જે અંબાજી માતાજીના દર્શન માટે આવે છે, તેમની સલામતી સર્વોપરી છે. તેથી પરંપરા સાથે સંયમ રાખીને લેવાયેલો આ નિર્ણય લાંબા ગાળે મંદિર અને ભક્તો બંને માટે લાભદાયી સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના અન્ય મોટા મંદિરોમાં ધજાની ઊંચાઈ અલગ-અલગ હોય છે. દ્વારકા ધામમાં ૧૫૬ ફૂટ સુધીની ધજા ચડાવવામાં આવે છે જ્યારે સોમનાથ મહાદેવ મંદિરમાં ૨૭ ફૂટ સુધીની ધજા ચડાવવાની પરંપરા છે. પરંતુ અંબાજી મંદિરના શિખરની રચના અને વજદંડની ઉંમરને યાનમાં રાખીને અહીં અલગ નિર્ણય લેવાયો છે.