ઝાલોદમાં એકાએક કૂતરાઓની સંખ્યા વધતા નગરજનોમાં ફફડાટ, કોઈ ગાડી ભરીને કૂતરા છોડી ગયું હોવાની ચર્ચાઓ

દાહોદ જીલ્લાના ઝાલોદ નગરમાં છેલ્લા બે દિવસથી રખડતા કૂતરાઓના ત્રાસ અને તેમની સંખ્યામાં થયેલા રહસ્યમય વધારાને કારણે નગરજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નગરના ગલી-મહોલ્લાઓથી લઈને મુખ્ય માર્ગો પર હવે કૂતરાઓના મસમોટા ટોળા જોવા મળી રહ્યા છે, જે રાહદારીઓ અને ખાસ કરીને નાના બાળકો તેમજ વૃદ્ધો પર હુમલો કરવા દોડી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે લોકો હવે કામકાજ અર્થે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે.

ઝાલોદ નગરના તમામ વિસ્તારોમાં અચાનક મોટી સંખ્યામાં નવા કૂતરાઓ દેખાવા લાગતા નગરમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, કોઈ અજાણ્યા શખ્સો દ્વારા રાત્રિના સમયે ગાડી ભરીને અન્ય સ્થળેથી પકડેલા કૂતરાઓને ઝાલોદની સીમમાં કે મુખ્ય વિસ્તારોમાં છોડી દેવામાં આવ્યા છે. પરંતુ હાલમાં જે રીતે કૂતરાઓ ઝુંડમાં ફરી રહ્યા છે તે જોતા આ આશંકા સાચી સાબિત થતી જણાય છે. કૂતરાઓના આ ટોળા રસ્તા પરથી પસાર થતા બાઈક સવારો અને બાળકોની પાછળ દોડતા હોવાથી અકસ્માત અને કરડવાનો ભય સતત તોળાઈ રહ્યો છે.જેથી શાળા અને ટ્યુશન જતા બાળકોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે. બાળકો હવે ઘરેથી એકલા નીકળતા ડર અનુભવી રહ્યા છે. રાત્રિના સમયે તો પરિસ્થિતિ વધુ ગંભીર બને છે, કૂતરાઓ ઘરના ઓટલા અને ફળિયામાં અડીંગો જમાવીને બેસી રહે છે, જેના કારણે રહીશોને અવરજવર કરવામાં ભારે પરેશાની ભોગવવી પડે છે. ઝાલોદ નગરપાલિકા દ્વારા આ મામલે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેને કારણે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

નગરજનો અને સામાજીક કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી છે કે, ઝાલોદ નગરપાલિકાની ટીમ તાત્કાલિક ડોગ સ્ક્વોડ સક્રિય કરે અને આક્રમક કૂતરાઓને પકડીને યોગ્ય કાર્યવાહી કરે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે, તો આ રખડતા કૂતરાઓ કોઈ માસૂમ બાળક કે વૃદ્ધનો ભોગ લે તેવી પૂરેપૂરી શક્યતા છે. તંત્ર વહેલી તકે જાગૃત થાય અને નગરજનોને આ ડોગ આતંકમાંથી મુક્તિ અપાવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.