વાવ-થરાદના લિવ-ઇન કેસમાં મોટો વળાંક, યુવતીએ કેશવ માળી સામે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

વાવ-થરાદ પંથકમાં ચકચારી બનેલા લિવ-ઇન રિલેશનશિપના કિસ્સામાં વધુ એક મોટો ધડાકો થયો છે. જે યુવક પર અગાઉ હુમલો થયો હતો, તે જ કેશવ માળી સામે હવે યુવતીએ આગથળા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે. આ કેસમાં હવે પ્રેમ અને ક્રૂરતાની સાથે કાયદાકીય ગૂંચવણો પણ વધી છે.

પીડિતાએ પોલીસ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે કેશવ માળીએ તેને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તેને અલગ-અલગ શહેરોમાં ફેરવી તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતીનો દાવો છે કે લિવ-ઇન રિલેશનના દસ્તાવેજા પર પણ તેની પાસે બળજબરીથી સહી કરાવવામાં આવ્યા હતા.

ફરિયાદ મુજબ, કેશવ યુવતીને તબીબી તપાસ માટે હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં તે ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. આ દરમિયાન યુવતીના પરિવારે અમદાવાદના વટવા વિસ્તારમાંથી તેને શોધી કાઢી હતી.

યુવતીએ માત્ર કેશવ જ નહીં, પરંતુ તેને મદદ કરનાર હરચંદભાઈ માળી અને પીરાજી માળી સામે પણ ફરિયાદ નોંધાવી છે. આક્ષેપ છે કે આરોપીઓએ તેના પર્સમાંથી અઢી તોલાનો સોનાનો હાર અને બુટ્ટી પડાવી લીધા હતા અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આગથળા પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ યુવકને ઢોર માર મારવા બદલ યુવતીના ૧૨ પરિવારજનો સામે ફરિયાદ થઈ હતી, ત્યારે હવે યુવતીએ સામો પક્ષ રજૂ કરતા કેસ વધુ પેચીદો બન્યો છે.