થરાદમાં રમતાં રમતાં ખેતીમાં વપરાતી દવા ખાઈ લેતા પાંચ વર્ષની બહેન અને ત્રણ વર્ષના ભાઈનું મોત

થરાદના જામપુર ગામમાંથી એક આઘાતજનક કિસ્સો સામે આવ્યો છે. થરાદના જામપુર ગામમાં ભૂલથી ઝેરી દવા ખાઈ જતા પાંચ વર્ષની દીકરી અને ત્રણ વર્ષના દીકરાનું મોત નીપજ્યાનું સામે આવ્યું છે. આ બાળકોનો પરિવાર ખેતી કામમાં વ્યસ્ત હતા તે દરમિયાન આ દુર્ઘટના ઘટી છે. રમતાં રમતાં માસુમ બાળકોએ ઝેરી દવા પી લેવાની લાલબત્તી સમાન ઘટના ઘટી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના સાબા ગામની સીમમાં ખેતર માલિક અને ભાગિયા પરિવારના બાળકો સાથે રમી રહ્યા હતા. ખેતી કામના ઉપયોગ માટેની નિંદામણની દવા ઘરમાં પડી હતી. પરિવારના સભ્યો ખેતી કામમાં વ્યસ્ત હતા તે દરમિયાન ઘરે રમતાં રમતાં માસુમ બાળકોએ ઝેરી દવા ખાઈ લીધી હતી. જે બાદ પાંચ વર્ષની દીકરી અને ત્રણ વર્ષના દીકરાનું ઝેરી દવા ખાઈ જતા મોત થયું હોવાનું સામે આવ્યું છે. ખેતરોમાં વસવાટ કરતાં પરિવારો માટે ચેતવણી સમાન ઘટના છે. આ ઘટનામાં હજુ સુધી પરિવારજનોએ પોલીસને કોઈ સત્તાવાર જાણ કરી નથી. જેથી બાળકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરાવવામાં આવ્યું નથી. પોલીસ ફરિયાદ ન થતા આ મામલે પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી નથી.

થોડા દિવસ પહેલા પોરબંદરના રાણા રોજીવાડા ગામમાં રહેતા બે મિત્રો નિખિલ હાજાભાઈ ટોરીયા (૧૧ વર્ષ ) તથા સુમિત જગદીશભાઈ સોલંકી (૧૨ વર્ષ ) બપોરે શાળાએથી છૂટયા બાદ ઘરે જવા નીકળ્યા હતા. રસ્તામાં આવતા નેસડા તળાવ પાસે પહોંચતા બંને બાળકોને નાહવાનું મન થયું હતુ. ઉનાળાની શરૂઆત અને બપોરનો સમય હોવાથી બંને બાળકો તળાવના પાણીમાં નાહવા માટે ઉતર્યા હતા.જાકે, પાણીના ઉંડાણનો અંદાજ ન આવતા બંને બાળકો ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બાળકો ડૂબતા હોવાની જાણ આસપાસના લોકોને થતા જ તેઓ બચાવવા માટે દોડી આવ્યા હતા, પરંતુ કમનસીબે બંને બાળકોને બચાવી શકાયા નહોતા અને બંને બાળકોના મોત નીપજ્યા હતા.