સુરત: સાઇબર ફ્રોડનું મહાકૌભાંડ ખુલ્યું, નાસતા આરોપીઓની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ

શહેર ફરી એકવાર દેશના મોટા સાઇબર ક્રાઈમ નકશા પર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ક્તારગામ વિસ્તારમાં ચાલતા સાઇબર ફ્રોડ રેકેટ પર સુરત સિટી સાયબર ક્રાઈમ સેલ દ્વારા કરાયેલ સર્ચ ઓપરેશન અને તેની સાથે જોડાયેલ લુકઆઉટ સર્ક્યુલરના આધારે મુંબઈ એરપોર્ટ પરથી મુખ્ય આરોપીઓની ધરપકડ થતા કરોડોના ટ્રાન્જેક્શન ધરાવતા આ કેસમાં મોટા ખુલાસાઓ થયા છે.

સુરતના ક્તારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના હેઠળની ફરિયાદમાં ચાર આરોપીઓની અગાઉ ધરપકડ કરી તેમની પાસેથી મોબાઇલ, લેપટોપ, વિવિધ બેંકોની ચેકબુકપાસબુક તથા ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ દ્વારા કુલ ૧૪૯ મ્યુલ બેંક ખાતાઓ મારફતે રૂ. ૮,૦૦, ૬૬,૫૧, ૩૨૬.૩૩ કરોડ જેટલા શંકાસ્પદ ટ્રાન્જેક્શનો થયા હતા. આ બેંક ખાતાઓ સામે એનસીસીઆરપી પોર્ટલ પર કુલ ૪૧૭ ઓનલાઈન ફરિયાદો નોંધાયેલી મળી હતી.

પોલીસે જણાવ્યું કે રેકેટ વિદેશી ઓનલાઇન બેટિંગ અને ગેમિંગ ફંડના ટ્રાન્સફર માટે કામ કરતું હતું. નાસતા ફરતા આરોપીઓને ઝડપથી શોધી પકડવા સૂચના આપવામાં આવી હતી.

આરોપી જતીન ઉર્ફે જોન રેપેર રેકેટમાં ઓનલાઇન ગેમિંગ અને વિદેશી બેટિંગ પ્લેટફોર્મમાંથી મળતા ફંડને મ્યુલ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવું તથા હિસાબો સંભાળવાનું કામ કરતો. આરોપી ફંડ ટ્રાન્સફર માટે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરતો, જેને લઈને હવે ડિજિટલ ટ્રેલ મજબૂત પુરાવા તરીકે સામે આવી છે.

જ્યારે આરોપી દીપકુમાર ઠક્કર વિદેશમાં બેસી મોબાઇલ અને લેપટોપ મારફતે બેંક મ્યુલ ખાતાઓમાં ડેટા એન્ટ્રી અને ફંડ ટ્રાન્સફરનું ટેક્નિકલ કામ સંભાળતો હતો. બંને આરોપીઓને સુરત લાવી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી ૬ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને વધુ તપાસ વિદેશી કડી, ફાઇનાન્સિયલ લો અને અન્ય સહઆરોપીઓ સુધી વિસ્તારી દેવામાં આવી છે.

પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ ૪ મોબાઇલ ફોન અને ૨ લેપટોપ કબ્જે કરાયા છે. પ્રાથમિક ફોરેન્સિક ચેક દરમિયાન મોબાઇલલેપટોપમાંથી ૩૬ વધુ શંકાસ્પદ બેંક ખાતાઓ મળી આવ્યા છે, જેમાંથી ૨૭૭ ફરિયાદો એનસીસીઆરપી પર નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. આ ફરિયાદોમાં કુલ રૂ. ૮૭,૮૭,૩૬,૫૧૫ કરોડ જેટલી રકમ ફ્રોડ દ્વારા ઉપાડાયેલી કે ટ્રાન્સફર થયેલી હોવાનો અંદાજ પોલીસ દ્વારા મૂકવામાં આવ્યો છે.

આ ફરિયાદો ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ, પશ્ર્ચિમ બંગાળ, ગુજરાત, તમિલનાડુ, તેલંગાણા, મય પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હી સહિત કુલ ૨૩ રાજ્યોથી નોંધાયેલી છે. સૌથી વધુ  ઉત્તર પ્રદેશમાંથી ૨૬ ફરિયાદો, મહારાષ્ટ્રમાંથી ૨૮, કેરળમાંથી ૧૭, પશ્ર્ચિમ બંગાળમાંથી ૧૮ અને ગુજરાતમાંથી ૯ ફરિયાદો સમાવિષ્ટ છે.