સુરત પોલીસે બાળકો પાસે ચોરી કરાવતી આંતરરાજ્ય ‘પારધી ગેંગ’નો પર્દાફાશ કર્યો

સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની નજર ચૂકવી કિંમતી ઘરેણાંની ચોરી કરતી કુખ્યાત આંતરરાજ્ય ’પારધી ગેંગ’ને પકડવામાં રેલવે પોલીસને મોટી સફળતા મળી છે. આ સમગ્ર ઓપરેશનની ખાસ વાત એ છે કે પોલીસે પહેલીવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામની મદદથી આરોપીઓ સુધી પહોંચી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી સાથે રૂ. ૧૫,૩૦,૦૦૦/-ની મત્તાની ચોરીનો ગુનો ઉકેલાયો છે.

રાજસ્થાનના રહેવાસી વૃદ્ધા ઉમરાવદેવી જ્યારે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૨ પર ઉતરી રહ્યા હતા, ત્યારે આ ગેંગે તેમને નિશાન બનાવ્યા હતા. ગીચતાનો લાભ લઈ ગેંગની બે સગીર વયની બાળકીઓએ ચાલાકીપૂર્વક વૃદ્ધાના પર્સમાંથી સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ મામલે રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા એલ.સી.બી.ની ટીમે તપાસ હાથ ધરી હતી.

પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ટોળકી પાંડેસરા વિસ્તારમાં કૈલાશનગર ચોકડી પાસે મેદાનમાં ઝૂંપડું બાંધીને રહેતી હતી. જોકે, ચોરીની ઘટનાને અંજામ આપ્યાના ગણતરીના કલાકોમાં જ તેઓ ઝૂંપડું ખાલી કરીને ફરાર થઈ ગયા હતા. પોલીસને તપાસ દરમિયાન શકમંદો પૈકીના એક સભ્યનું ઇસ્ટાગ્રામ આઇડી મળી આવ્યું હતું. આ ડિજિટલ પુરાવાના આધારે ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે તેમનું લોકેશન ટ્રેક કર્યું અને મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના વતની એવા આરોપીઓને દબોચી લીધા હતા.

એલ.સી.બી.ની ટીમે ફૂટેજ અને ટેકનિકલ પુરાવાના આધારે નીચે મુજબના આરોપીઓની ધરપકડ કરી છે. જેના નામ ટીના ઉર્ફે અંજુ (પત્ની સુમિત) અને સુમિત (પુત્ર શત્રુધ્ન)નો સમાવેશ થાય છે. આ દંપતી અને બે બાળકીઓ અમરાવતીથી ટ્રેન મારફતે સુરત આવ્યા હતા. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓએ અગાઉ પણ સુરત સ્ટેશન પરથી રૂ. ૫૦,૦૦૦ રોકડાની ચોરી કરી હતી.

રેલવે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી વૃદ્ધાના પર્સમાંથી ચોરી થયેલા તમામ સોનાના દાગીના (કિંમત રૂ. ૧૫.૩૦ લાખ) રિકવર કરી લીધા છે. નિર્દોષ દેખાતી બાળકીઓનો ઉપયોગ કરીને ચોરી કરાવતી આ મોડસ ઓપરેન્ડીથી પોલીસ પણ ચોંકી ઉઠી છે. રેલવે સ્ટેશન કે ભીડભાડવાળી જગ્યાએ મુસાફરી કરતી વખતે તમારા કિંમતી સામાનનું યાન રાખો અને અજાણ્યા વ્યક્તિઓ કે શંકાસ્પદ હિલચાલ કરતા બાળકોથી સાવધ રહો.