
સુરતમાં ગુજસીટોકના આરોપી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આરોપી સદામ ગેંગ સામે અઢી લાખ રૂપિયાની ખંડણીની ફરિયાદ છે. શહેરના સારોલી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સૈયદપુરાના ગુલામ સાબીર પાસે તેણે ખંડણી માંગી હતી. આ ઉપરાંત મોહમ્મદ શફી સાયકલવાલા પાસે પણ તેણે ખંડણી માંગી હતી. આટલું ઓછું હોય તેમ રેતી કપચીનો વ્યવસાય કરતાં વેપારી પાસે પણ ખંડણી માંગી હતી.
૨૩મી જુલાઈના રોજ ગુલામ સાબીર તેમના મિત્ર ઇરફાન પાસે પ્રિન્સ એસ્ટેટ પહોંચ્યા હતા. આ ઉપરાંત ધંધાકીય હેતુ માટે સણીયા હેમાદ પણ પહોંચ્યા હતા. જ્યારે ત્રીજા મિત્ર આરીફ દહીવાલા તેમની જોડે હતા. તે સમયે સદ્દામ તેના ભાઈ ફૈઝલ અને તેના પુત્ર મોહમ્મદ સાથે ત્યાં આવ્યા હતા. આ ઉપરાંત એક ચોથી અજાણી વ્યક્તિ મોપેડ પર આવી હતી. આ બધાએ પરવાનગી વગર ધંધો કરતું હોવાની કહીને દસ લાખની ખંડણી માંગી હતી.
આરોપીએ સ્થળ પર અઢી લાખની રકમ નક્કી કરીને ૪૦ હજાર રૂપિયા પડાવ્યા હતા. તેના પછી ૨.૧૦ લાખ રૂપિયા પરત પણ પડાવી લીધા હતા. ચાર મહિના બાદ ગુલામ સાબીરે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને લઈને સારોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.