
શહેરા સહિત સમગ્ર જીલ્લાભરમાં ‘કેવડાત્રીજ’ની ભારે શ્રદ્ધા અને આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી. પોતાના પતિના દીર્ઘાયુ, પરિવારની સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્યની કામના સાથે પરિણિત મહિલાઓએ ભોલેનાથની પૂજા-અર્ચના કરી હતી.

શહેરા સહીત સમગ્ર જીલ્લાભરમાં સૌભાગ્યવતી સ્ત્રીઓએ કેવડાત્રીજની શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી,સૌભાગ્યવતી સ્ત્રીઓ થાળમાં વિવિધ પૂજા સામગ્રી, ધૂપ-દીપ, ફળ-ફૂલ અને વિશેષ પે કેવડો લઈને મંદિર પરિસરમાં એકત્ર થઈ હતી. બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે મહિલાઓએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ રેતી તથા શુદ્ધ માટીમાંથી શિવલિંગ બનાવી તેની સ્થાપના કરી હતી. ત્યારબાદ પંચામૃત સ્નાન કરાવી, બિલિપત્ર અને વર્ષમાં માત્ર એક જ દિવસ શિવજીને અતિ પ્રિય એવા કેવડાના પાન અને પુષ્પ અર્પણ કરી વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવી હતી.શિવજીને કેવડો ચઢાવી મહિલાઓએ સંતાન સુખ, સુખ-શાંતિ અને પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.કેવડાત્રીજ સાથે પૌરાણિક અને ધાર્મિક કથાઓ જોડાયેલી છે. લોકમાન્યતા મુજબ, ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામે લંકા પર વિજય મેળવવા અને સમુદ્ર પાર કરતા પહેલા રામેશ્ર્વર ખાતે રેતીનું શિવલિંગ બનાવી તેની વિધિવત સ્થાપના કરી પૂજા-અર્ચના કરી હતી, ત્યારથી માટી કે રેતીના શિવલિંગ પૂજનની પરંપરા ચાલી આવે છે. આ દિવસે ઉમા-મહેશ્ર્વરનું વિધિવત વ્રત અને પૂજન કરવામાં આવે છે.કેવડાત્રીજ વ્રત ને લઈને શિવ મંદિરો તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના શિવાલયોમાં સવારથી જ “હર હર મહાદેવ અને “જય ભોલેનાથ‘ના નાદ ગૂંજી ઉઠ્યા હતા. મહિલાઓએ સંપૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત રાખી સાંજના સમયે કથા શ્રવણ કરી હતી. બ્રાહ્મણો દ્વારા કેવડાત્રીજ વ્રતની કથાનું સુંદર પઠન કરવામાં આવ્યું હતું, જેનો લાભ અનેક શ્રદ્ધાળુઓએ લીધો હતો. સમગ્ર જીલ્લામાં આ પર્વ ભક્તિ, શ્રદ્ધા અને પરંપરાગત ઉલ્લાસ સાથે સંપન્ન થયો હતો.
