નવાગામ ખાતે શાકભાજીની ખેતી અને નર્સરી વ્યવસ્થાપન તાલીમનું આયોજન

ઘોઘંબા તાલુકાના નવાગામ ખાતે બેંક ઓફ બરોડા RSETI તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પંચમહાલ-ગોધરા દ્વારા શાકભાજીની ખેતી અને નર્સરી વ્યવસ્થાપન વિષયક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૦૭/૦૯/૨૦૨૬ થી ૧૮/૦૯/૨૦૨૬ દરમિયાન યોજાનારી આ તાલીમમાં તાલીમાર્થીઓને શાકભાજીની આધુનિક ખેતી, નર્સરી વ્યવસ્થાપન, રોપા ઉત્પાદન, બીજ પસંદગી, નર્સરી માટે માટીનું મિશ્રણ, ટ્રેમાં રોપા તૈયાર કરવા, છોડની સંભાળ, રોગ-જીવાત વ્યવસ્થાપન સહિત ખેતીને લગતી વિવિધ વ્યવહા‚ બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

નેશનલ ટ્રેનર સાર્થકભાઈ અશ્ર્વિનભાઈ ઠાકર દ્વારા તાલીમ આ તાલીમ માટે સાવરકુંડલાના સાર્થકભાઈ અશ્ર્વિનભાઈ ઠાકરને વિશેષ તાલીમકર્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. સાર્થકભાઈ નેશનલ સર્ટિફાઈડ ટ્રેનર તરીકે શાકભાજીની ખેતી અને નર્સરી વ્યવસ્થાપન ક્ષેત્રે તાલીમ આપી રહ્યા છે.

સાર્થકભાઈ પોતે ખેતી આધારિત ક્ષેત્ર સાથે સંકળાયેલા સફળ ઉદ્યોગસાહસિક છે અને અમરેલી જીલ્લાના સાવરકુંડલા ખાતે જય રામનાથ વર્મી કમ્પોસ્ટ નામનું વર્મી કમ્પોસ્ટ યુનિટ ચલાવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ વર્મી કમ્પોસ્ટ, ઓર્ગેનિક ખેતી, કિચન ગાર્ડન, ટેરેસ ગાર્ડન તેમજ ખેતી સંબંધિત વિષયો અંગે વ્યવહા‚ માર્ગદર્શન અને તાલીમ આપી રહ્યા છે.

તાલીમ દરમિયાન સાર્થકભાઈ દ્વારા તાલીમાર્થીઓને માત્ર સૈદ્ધાંતિક માહિતી જ નહીં પરંતુ પ્રેક્ટિકલ તાલીમ દ્વારા નર્સરી તૈયાર કરવાની, નર્સરી ટ્રે ભરવાની, બીજ વાવવાની, રોપા ઉછેરવાની તથા શાકભાજીના સારા રોપા તૈયાર કરવાની પદ્ધતિઓ પણ સમજાવવામાં આવી રહી છે.

તેમના અનુભવ અને પ્રાયોગિક જ્ઞાનના આધારે તાલીમાર્થીઓને શાકભાજીની ખેતીને સ્વરોજગાર અને આવકના સશક્ત માધ્યમ તરીકે વિકસાવવાની દિશામાં માર્ગદર્શન મળી રહ્યું છે.

આ તાલીમથી ગ્રામ્ય વિસ્તારના યુવાનો, ખેડૂતો અને સ્વરોજગાર ઇચ્છુક તાલીમાર્થીઓને ખેતી આધારિત વ્યવસાય માટે નવી દિશા, આધુનિક જ્ઞાન અને પ્રેક્ટિકલ અનુભવ પ્રાપ્ત થઈ રહ્યો છે.