
શહેરા અને મોરવા હડફમાં સોમવારના રોજ વરસાદી માહોલ લઈને બજારોમાં લોકોની અવરજવર ઓછી જોવા મળી હતી. મેઘરાજાની પધરામણીથી અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જ્યારે સુકાતા પાકને નવું જીવતદાન મળતાં ખેડૂતોના ચહેરા પર ખુશીની રોનક પાછી આવી હતી.

શહેરા અને મોરવા હડફ સહિત ગ્રામ્ય વિસ્તારમાં સોમવારના રોજ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. લાંબા વિરામ બાદ શ થયેલા સાર્વત્રિક વરસાદને કારણે સમગ્ર પંથકમાં આહલાદક વાતાવરણ સર્જાયું હતું.વરસાદી માહોલના પગલે જનજીવન પર સીધી અસર જોવા મળી હતી, જ્યારે નોકરી અને કામ અર્થે નીકળેલા લોકોએ રેઇનકોટ અને છત્રી નો સહારો લીધો હતો. બજારમાં સામાન્ય દિવસોની સરખામણીએ લોકોની અવરજવર ખૂબ જ ઓછી રહી હતી અને વેપારીઓ પણ દુકાનોમાં નવરાધૂપ બેઠેલા નજરે પડ્યા હતા. બીજી તરફ, આ વરસાદ ખેતી માટે અમૃત સમાન સાબિત થયો છે. છેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાતા વાવેતર કરેલા પાકને લઈને ધરતીપુત્રો ચિંતાતુર બન્યા હતા. પરંતુ સોમવારે મેઘરાજા મન મૂકીને વરસતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો હતો અને તેમના ચહેરા પર ખુશીની રોનક પાછી આવી ગઈ હતી. આ વરસાદથી ડાંગર, મકાઈ અને અન્ય ખરીફ પાકોને નવું જીવનદાન મળ્યું હતું.

અસહ્ય બફારા અને ઉકળાટથી અકળાયેલા નગરજનો માટે પણ આ વરસાદ રાહતપ સાબિત થયો હતો. વરસાદના આગમન સાથે જ વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ હતી, જેથી લોકોને ગરમીમાંથી મોટી મુક્તિ મળી હતી. વરસાદી માહોલને પગલે જળાશય, તળાવ તેમજ ગ્રામ્ય વિસ્તારોના કોઝવે અને નાળામાં પણ પાણીની આવક થઈ હતી.