
શહેરા તાલુકાના વાઘજીપુર ગામ સ્થિત પીએમ શ્રી આદર્શ બુનિયાદી શાળા ખાતે શાળા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં વિજ્ઞાન અને ગણિત જેવા વિષયો પ્રત્યે ચિ કેળવાય તેમજ તેમનામાં રહેલી સુષુપ્ત વૈજ્ઞાનિક સર્જનાત્મકતા અને જીજ્ઞાસાવૃત્તિને યોગ્ય મંચ મળી રહે તેવા શુભ આશયથી આ પ્રદર્શન યોજાયું હતું. જેમાં શાળાના બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહભેર ભાગ લઈને પ્રયોગો રજૂ કર્યા હતા.

શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, બી.આર.સી. કો-ઓર્ડિનેટર, ઇન્ચાર્જ સી.આર.સી. કો-ઓર્ડિનેટર તથા શાળાના આચાર્ય સરદારભાઈ વણઝારાના યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન હેઠળ આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું સફળ આયોજન શક્ય બન્યું હતું.

આ પ્રદર્શનને સફળ બનાવવા માટે શાળાના ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકો ઉપરાંત તમામ વર્ગ શિક્ષકોએ વિશેષ જહેમત ઉઠાવી હતી. શિક્ષકોના સતત માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ દૈનિક જીવનમાં વિજ્ઞાનનો ઉપયોગ, પર્યાવરણ જતન, ગણિતના સરળ નમૂનાઓ અને આધુનિક ટેકનોલોજીને સાંકળતી ૧૧ જેટલી વિવિધ કૃતિઓ તૈયાર કરીને રજૂ કરી હતી. પ્રદર્શન દરમિયાન બાળ વૈજ્ઞાનિકોએ પોતાની કૃતિઓ અને મોડેલ્સ વિશે આવનાર મહેમાનો અને અન્ય વિદ્યાર્થીઓને ખૂબ જ આત્મવિશ્ર્વાસપૂર્વક સમજણ આપી હતી. શાળા કક્ષાએ આયોજીત આ કાર્યક્રમથી બાળકોમાં નેતૃત્વ, વક્તૃત્વ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો વિકાસ થયો હતો. કાર્યક્રમના અંતે આચાર્ય સરદાર ભાઈ વણઝારા તથા ઉપસ્થિત તમામ મહાનુભાવોએ ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકોની કામગીરીને બિરદાવીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.