ઝાલોદ તાલુકાના ચિત્રોડિયા ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

૩૨ જેટલી કૃતિઓએ સૌનું ધ્યાન ખેંચ્યું : રોબોટ, હરિત ઊર્જા, જળચક્રથી લઈને ટપક સિંચાઈ અને ઓર્ગેનિક ખાતર સુધીના પ્રોજેક્ટ રજૂ કરાયા.

આદિવાસી યુવક સેવાસંઘ દ્વારા સંચાલિત ગાયત્રી માધ્યમિક શાળા, ચિત્રોડિયા ખાતે આજ રોજ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કુલ ૩૨ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા, વૈજ્ઞાનિક અભિગમ અને નવીન વિચારશક્તિનો સુંદર પરિચય કરાવ્યો હતો.

પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા રોબોટ, ખૂણાના પ્રકાર, હરિત ઊર્જા, જળચક્ર, પ્લાસ્ટિકમુક્ત સૃષ્ટિ, ચેકડેમ, ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિ તેમજ વેસ્ટ ફૂલોમાંથી ઓર્ગેનિક ખાતર સહિતના વિવિધ વિષયો પર આધારિત કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી અનેક પ્રોજેક્ટને જીવંત મોડેલ તથા આધુનિક ટેક્નોલોજીના માધ્યમથી રજૂ કરી વિદ્યાર્થીઓએ ઉપસ્થિત મહેમાનો અને વાલીઓને તેની કાર્યપદ્ધતિ અંગે સમજ આપી હતી.

વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન અને સહયોગથી તૈયાર કરેલી આ કૃતિઓમાં માત્ર પાઠ્યપુસ્તક આધારિત જ્ઞાન જ નહીં, પરંતુ પર્યાવરણ સંરક્ષણ, જળસંચય, ઊર્જા બચત, આધુનિક ખેતી અને ટેક્નોલોજીના ઉપયોગ જેવા વર્તમાન સમયના મહત્વપૂર્ણ વિષયોનો પણ સમાવેશ કર્યો હતો. વિદ્યાર્થીઓની મહેનત અને તેમની રજૂઆતની શૈલીએ ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ કૃતિઓનું નિરીક્ષણ કરી તેમના પ્રયોગો અંગે માહિતી મેળવી હતી. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી જણાવ્યું હતું કે, બાળકોને યોગ્ય દિશા, પ્રોત્સાહન અને માર્ગદર્શન મળે તો તેમની કલ્પનાશક્તિ અને વૈજ્ઞાનિક વિચારસરણી ભવિષ્યમાં સમાજ અને દુનિયામાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે.

કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સુરેશભાઈ કે. કટારા તાલુકા પંચાયત પ્રમુખ, ભરતભાઈ માળી રાજ્ય પ્રદેશ યુવક બોર્ડ પ્રમુખ તથા ગાયત્રી માધ્યમિક શાળાના મંત્રી, પૂર્વ તાલુકા પ્રમુખ સતીશભાઈ વસૈયા, સુરેશભાઈ ભાભોર ભાજપ પાર્ટી પ્રમુખ, મુકેશભાઈ પરમાર દાહોદ તાલુકા પંચાયત ભાજપ પ્રભારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ઇ.એલ. ડાંગી તેમજ ડાયટમાંથી સરદારભાઈ ડામોર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

ગણિત-વિજ્ઞાન પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓની ઉત્સુકતા, સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક અભિગમ જોવા મળ્યો હતો. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ કરેલી મહેનતના પરિણામે યોજાયેલું આ પ્રદર્શન નવી પેઢીમાં વિજ્ઞાન પ્રત્યે જીજ્ઞાસા અને નવીન વિચારસરણી વિકસાવતું પ્રેરણાદાયી બની રહ્યું હતું.