ધોધંબાના ચેલાવાડામાં ‘આ મારી પંચાયત નથી’ કહી તલાટીએ હાથ અધ્ધર કર્યા, પંચાયત તમારી નથી તો વહીવટ કેમ ! શું પંચાયત તમે ગીરવે રાખી હતી ?

ઘોઘંબા તાલુકાના ચેલાવાડા ગ્રામ પંચાયતના વહીવટને લઈને હવે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે. ગ્રામ પંચાયતના વહીવટ અંગે તલાટી દ્વારા આ મારી પંચાયત નથી કહી હાથ અધ્ધર કરવામાં આવતાં સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. પરંતુ જો ખરેખર ચેલાવાડા ગ્રામ પંચાયત સાથે કોઈ લેવા-દેવા જ ન હોય તો પંચાયતનો વહીવટી ચાર્જ કેમ લેવામાં આવ્યો? સામાન્ય સભામાં વહીવટ કેવી રીતે કરવામાં આવ્યો? અને ગ્રામ પંચાયતના વિવિધ વહીવટી કામોમાં સહીઓ કેવી રીતે થઈ? તેવા સવાલો હવે ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે.

ચેલાવાડા ગ્રામ પંચાયતના વહીવટ અંગે સૌથી મોટો સવાલ એ છે કે જો સંબંધિત તલાટીની આ પંચાયત નથી, તો ગ્રામ પંચાયતનો વહીવટી ચાર્જ કયા આધારે સંભાળવામાં આવ્યો હતો? શું પંચાયત કોઈની ખાનગી મિલકત હતી કે પછી મારી પંચાયત નથી કહી જવાબદારીમાંથી હાથ ખંખેરી શકાય? ગ્રામજનોનું કહેવું છે કે પંચાયતના વહીવટમાં જો કોઈ ભૂમિકા નહોતી તો સામાન્ય સભા સહિતની વહીવટી પ્રક્રિયામાં હાજરી અને કામગીરી શા માટે કરવામાં આવી? આ બાબતે સંબંધિત સત્તાધીશો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ચેલાવાડામાં ગ્રામસભા યોજાવાની હતી તેની આગલી સાંજે ડેપ્યુટી સરપંચના ઘરે મહિલા સરપંચ અને તેમના પતિને સાથે લઈ જઈ બોલાચાલી થયાની પણ ચર્ચા છે. જો આ બાબત સાચી હોય તો ગ્રામસભાની પૂર્વસંધ્યાએ જ આવી હિલચાલ શા માટે થઈ?

ગ્રામસભા જેવી લોકશાહી પ્રક્રિયા પહેલાં વાતાવરણ તંગ બને તેવી પરિસ્થિતિ ઊભી કરવાનું કારણ શું હતું? અને આ મુલાકાતમાં શું ચર્ચા થઈ હતી? તે અંગે પણ ગ્રામજનોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.

ગ્રામસભાનો એજન્ડા સમયસર સંબંધિત સભ્યો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને લઈને પણ પ્રશ્નો ઉભા થયા છે. ગ્રામસભાનો એજન્ડા મોડે સુધી લઈને ફરવામાં આવ્યો હોવાના આક્ષેપો વચ્ચે સવાલ એ છે કે ગ્રામસભાની પૂર્વ તૈયારી અને પ્રક્રિયા નિયમસર થઈ હતી કે નહીં?

જો ગ્રામસભા પારદર્શક રીતે યોજવાની હતી તો એજન્ડા અંગે છેલ્લી ઘડીએ ગતિવિધિ શા માટે જોવા મળી? આ સમગ્ર ઘટનાક્રમની તપાસ થાય તો જ હકીકત બહાર આવી શકે તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે.

ચેલાવાડા ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચના સ્થાને તેમના પતિ દ્વારા વહીવટ કરવામાં આવતો હોવાના આક્ષેપો પણ અગાઉથી ચર્ચામાં છે. સવાલ એ છે કે જો મહિલા સરપંચના સ્થાને તેમના પતિ વહીવટી કામગીરી કરતા હોવાના આક્ષેપો સાચા હોય તો સંબંધિત તંત્ર દ્વારા અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી? દાખલા આપવા સહિતના અન્ય વહીવટી કામોમાં કોની સહી થઈ? કયા અધિકારથી થઈ? અને પંચાયતના સત્તાવાર વહીવટમાં કોણ નિર્ણય લેતું હતું? જેવા પ્રશ્નોના જવાબ મેળવવા હવે ગ્રામજનોની નજર ઉચ્ચ અધિકારીઓની તપાસ પર છે.

ચેલાવાડા ગ્રામ પંચાયતના મામલે હવે મૂળ સવાલ એક જ છે જો પંચાયત તમારી નથી, તો પછી પંચાયતના વહીવટમાં દખલ કેમ? જો કોઈ લેવા-દેવા નથી, તો ચાર્જ કેમ? જો વહીવટનો અધિકાર નથી, તો સહીઓ કેમ? અને જો બધું નિયમસર હતું તો હવે મારી પંચાયત નથી કહી જવાબદારીથી દૂર કેમ?

પંચાયત કોઈ વ્યક્તિની ખાનગી મિલકત નહીં પરંતુ ગ્રામજનોની જાહેર સંસ્થા છે. તેથી તેના વહીવટમાં પારદર્શિતા અને જવાબદારી સૌથી મહત્વની છે.

હવે સવાલ એ પણ છે કે, ચેલાવાડા ગ્રામ પંચાયતના સમગ્ર વહીવટી ઘટનાક્રમની નિષ્પક્ષ તપાસ થશે કે પછી મારી પંચાયત નથી કહી મામલો ફાઈલોમાં જ દબાઈ જશે?

ગ્રામજનો દ્વારા સમગ્ર મામલે ઉચ્ચકક્ષાની તપાસ કરી, પંચાયતના ચાર્જથી લઈને ગ્રામસભા, એજન્ડા, સહી તથા વહીવટી કામગીરી સુધીની તમામ બાબતોની તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. જો પંચાયત તમારી નથી તો પછી સરપંચ ના વહીવટ માં આગ લાગી તો ધુમાડો તલાટી માથી કેમ નીકળ્યો ?