અમદાવાદ સીટીએમ ડબલ ડેકર બ્રિજ પરથી યુવકે ઝંપલાવ્યું, અઠવાડિયામાં બીજી ઘટના

અમદાવાદ શહેરના સીટીએમ ચાર રસ્તા પાસે આવેલા ડબલ ડેકર ઓવરબ્રિજ પર મંગળવારે સવારે એક યુવકે ઝંપલાવતા તેનું મોત થયું હતું. યુવકની ઓળખ હજુ સુધી થઈ નથી. ઘટનાની જાણ થતાં રામોલ પોલીસ અને ટ્રાફિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, યુવક વડોદરા એક્સપ્રેસ હાઈવે તરફ જતા ડબલ ડેકર ઓવરબ્રિજ પર હતો. આ દરમિયાન તેણે અચાનક નીચે ઝંપલાવ્યું હતું. ઘટનાને પગલે બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં રામોલ પોલીસ તથા ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળ પર એકઠા થયેલા લોકોને દૂર કરી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.રામોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી યુવકની ઓળખ સહિત સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.

સીટીએમ ડબલ ડેકર ઓવરબ્રિજ પર આ પ્રકારની ઘટના એક સપ્તાહમાં બીજી વખત બની હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, ઓવરબ્રિજના કેટલાક ભાગોમાં સુરક્ષા જાળીની ઊંચાઈ ઓછી હોવાને કારણે સલામતી અંગે ચિંતા ઊભી થઈ છે.

સ્થાનિકોનું કહેવું છે કે બ્રિજ પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવે અને જ્યાં જાળી ઓછી ઊંચાઈની છે ત્યાં તેની ઊંચાઈ વધારવામાં આવે. ખાસ કરીને સતત ભારે ટ્રાફિક ધરાવતા આ માર્ગ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાની માગ કરવામાં આવી રહી છે.હાલ પોલીસે મૃતકની ઓળખ અને ઘટનાની હકીકત જાણવા વધુ તપાસ હાથ ધરી છે.