શહેરના વાસણામાંથી રિક્ષામાંથી ગાંજાની ૯૦ પડીકીઓ ઝડપાઈ, ડ્રાઈવર ઝડપાયો

અમદાવાદમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી તેજ કરી છે. શહેરના વાસણા એપીએમસી મેટ્રો સ્ટેશન નજીકથી એસઓજી ક્રાઈમ બ્રાન્ચે ઓટોરિક્ષામાં ગાંજાનો જથ્થો લઈ જતા ૪૫ વર્ષીય ડ્રાઈવરને ઝડપી પાડ્યો છે. આરોપીની રિક્ષામાંથી ૧૮૪ ગ્રામ ગાંજા મળી આવ્યો હતો, જે ૯૦ નાની પડીકીઓમાં પેક કરવામાં આવ્યો હતો.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે વાસણા એપીએમસી મેટ્રો સ્ટેશન નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ ઓટોરિક્ષાને રોકીને તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ડ્રાઈવરની સીટ નીચેથી પીળા રંગની બેગ મળી આવી હતી. બેગમાં રહેલી કાળી પ્લાÂસ્ટકની થેલીમાંથી ગાંજાની ૯૦ નાની પારદર્શક પડીકીઓ મળી આવી હતી.એફએસએલ અધિકારીની પ્રાથમિક તપાસમાં મળી આવેલો પદાર્થ ગાંજા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે જથ્થો કબજે કરીને તેનું વજન કરતાં કુલ ૧૮૪ ગ્રામ થયું હતું. પોલીસના જણાવ્યા મુજબ, જપ્ત ગાંજાની અંદાજિત કિંમત ૯,૨૦૦ છે. આ મામલે આરોપીની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે.

આ કાર્યવાહીમાં પોલીસે ગાંજા ઉપરાંત બે મોબાઈલ ફોન અને ઓટોરિક્ષા પણ કબજે કરી છે. બે મોબાઈલની કિંમત આશરે ૫,૫૦૦ અને રિક્ષાની કિંમત ૫૦,૦૦૦ ગણવામાં આવી છે. આમ, પોલીસે કુલ ૬૪,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પકડાયેલા આરોપીની ઓળખ વટવા વિસ્તારમાં નૂરનગર ખાતે રહેતા મોહમ્મદ આરિફ મઝહર હુસૈન સૈયદ તરીકે થઈ છે. તપાસ દરમિયાન ફતેહવાડીના રહેવાસી ઉબેદ અમાનુલ્લાહ ખાન પઠાણનું નામ પણ સામે આવ્યું છે. ડ્રગ્સના વેચાણમાં તેની સંડોવણી અંગે પોલીસ તપાસ કરી રહી છે. ગાંજા ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે તે જાણવા એસઓજી ક્રાઈમ બ્રાન્ચે તપાસ આગળ ધપાવી છે. આ મામલે એનડીપીએસ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.