
અમરેલી જિલ્લાના રાજકારણ અને કોંગ્રેસ પક્ષના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરનું ટૂંકી બીમારી બાદ અમરેલી ખાતે દુઃખદ નિધન થયું છે. તેમના અવસાનના સમાચારથી સમગ્ર અમરેલી જિલ્લા સહિત ગુજરાતના રાજકીય આલમમાં શોકની કાળી ડિબંગ છવાઈ ગઈ આ અંગેની માહિતી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાત દ્વારા આપવામાં આવી હતી. તેમના નિધનના સમાચાર મળતા જ રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ, કાર્યકરો અને શુભચિંતકો શોક વ્યક્ત કર્યા છે. તેમના અંતિમ દર્શન માટે લોકો એકઠા થઈ ગયા હતાં અને તેમની સ્મશાનયાત્રા સાંજે અમરેલી ખાતેથી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં તેમના ટેકેદારો ઉમટી પડયા હતાં
વિરજી ઠુમ્મરનો રાજકીય કરિયર ખુબ મોટી છે. તેઓ વર્ષ ૨૦૦૪ થી ૨૦૦૯ દરમિયાન અમરેલી લોકસભા મતવિસ્તારના સાંસદ રહી ચુક્યા હતા. આ સિવાય, તેમણે વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૨ દરમિયાન લાઠી-બાબરા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે પણ પ્રજાના પ્રશ્નો અને વિકાસકાર્યો માટે નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી હતી. વિરજી ઠુમ્મર માત્ર સક્રિય રાજકારણમાં જ નહીં, પરંતુ સહકારી ક્ષેત્રે પણ તેમનું મહત્વપૂર્ણ પ્રદાન રહ્યું છે. વિરજી ઠુમ્મરે અનેક સહકારી સંસ્થાઓમાં વિવિધ હોદ્દાઓ પર રહીને ખેડૂતો અને સ્થાનિક લોકોના હિતમાં પ્રશંસનીય કાર્ય કર્યું હતું.
કોંગ્રેસના નેતા વિરજી ઠુમ્મર કોંગ્રેસના અત્યંત આક્રમક, નીડર અને જનતાના અવાજને બુલંદ કરનારા નેતા તરીકે ઓળખાતા હતા. પ્રજાના સવાલો હોય કે પક્ષની રજૂઆત, તેઓ હંમેશાં પોતાના નિડર વલણ અને મજબૂત વાણી માટે જાણીતા રહ્યા હતા. પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય શ્રી વીરજીભાઈ ઠુમ્મરના નિધન અંગે શોકાંજલી પાઠવતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સંગઠન પ્રભારી સાંસદ રણદીપસિંહ સુરજેવાલાએ જણાવ્યું હતું કે, વીરજીભાઈ ઠુમ્મરના નિધનના સમાચારથી સૌની આંખો ભીની છે અને હૃદય વ્યથિત છે. તેમના નિધન સાથે કોંગ્રેસ પરિવારનું એક વટવૃક્ષ આપણી વચ્ચેથી વિદાય થયું છે. તેમની સાદગી, દરેક વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ અને કર્તવ્યભાવના તેમજ ખેતી-કિસાન સાથેનો તેમનો ગાઢ સંબંધ હંમેશાં લોકોના હૃદયમાં અંકિત રહેશે.
પરિવારજનો તથા તેમના તમામ સ્નેહીજનો અને સમર્થકો પ્રત્યે મારી હાર્દિક સંવેદનાઓ. વિશેષ કરીને તેમની પુત્રી અને કોંગ્રેસ નેતા શ્રીમતી જેની ઠુમ્મરને ઈશ્વર આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને વીરજીભાઈના આશીર્વાદ તથા સંસ્કારો સદાય તમારા જીવનપથ પર માર્ગદર્શન આપતા રહે.
ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સહકારી ક્ષેત્રના અગ્રણી વીરજીભાઈ ઠુમ્મરના નિધન અંગે શ્રધ્ધાંજલી પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડા. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે એક વરિષ્ઠ યોદ્ધાને ગુમાવ્યા છે. સહકારી ક્ષેત્ર હોય કે કોંગ્રેસ પક્ષની કામગીરી હોય તેઓએ હંમેશા અસરકારક નેતૃત્વ આપ્યું છે. પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય અને સહકારી આગેવાન સ્વ. વીરજીભાઈ ઠુમ્મરના નિધનથી સમગ્ર પક્ષ અને તેમના શુભેચ્છકો અત્યંત દુઃખી છે. લાંબા જાહેર જીવનમાં તેમણે ખેડૂતો, સહકારી ક્ષેત્ર અને સામાન્ય જનતાના હિત માટે સતત સંઘર્ષ કર્યો. તેમના અવસાનથી કોંગ્રેસ પરિવાર અને ગુજરાતના જાહેર જીવનમાં એક મોટી ખોટ પડી છે. સમગ્ર કોંગ્રેસ પક્ષ વીરજીભાઈ ઠુમ્મરના નિધનથી દુઃખની લાગણી અનુભવે છે.