
ગાંધીનગરમાં પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળમાં જાડાયા છે. રાજ્ય મહેસૂલ કર્મચારી મહામંડળના એલાનને પગલે ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરીના કર્મચારીઓએ પણ આંદોલનને સમર્થન આપ્યું છે.
મહેસૂલી કર્મચારીઓએ વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે ૧૮ જેટલી માંગણીઓ રજૂ કરી છે. જેમાં રેવન્યુ તલાટીના જાબ ચાર્ટ, સિનિયોરિટી, પ્રમોશન સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે. કર્મચારીઓનું કહેવું છે કે લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે.
આંદોલનમાં વર્ષ ૨૦૧૨ની બેચની સિનિયોરિટી યાદી અને પ્રમોશન સંબંધિત પ્રશ્ન પણ મુખ્ય છે. આ ઉપરાંત રેવન્યુ તલાટીઓના વિવિધ પ્રશ્નોનો નિકાલ કરવાની માંગ કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લા મહેસૂલી કર્મચારીઓએ રાજ્યવ્યાપી આંદોલનને સમર્થન આપી અન્ય કામગીરીમાં અસહકાર દર્શાવવાનો નિર્ણય કર્યો છે.
હડતાળના ભાગરૂપે ગાંધીનગર જિલ્લા મહેસૂલી કર્મચારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં કર્મચારીઓની પડતર માંગણીઓ અંગે રજૂઆત કરી વહેલી તકે ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે. મહામંડળના આદેશ અનુસાર કર્મચારીઓએ આંદોલનમાં જાડાઈને સરકારનું ધ્યાન પ્રશ્નો તરફ દોર્યું છે.
જાકે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી સંબંધિત કામગીરીને હડતાળમાંથી બાકાત રાખવામાં આવી છે. ચૂંટણીની કામગીરી ઉપરાંત ઇમરજન્સી સેવાઓ પણ ચાલુ રહેશે. જ્યારે અન્ય પડતર પ્રશ્નો અને નિયમિત કામગીરીને લઈને કર્મચારીઓ અસહકાર આંદોલન કરશે. આ રીતે ગાંધીનગર જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓએ રાજ્યવ્યાપી આંદોલનને સમર્થન આપતાં હવે સરકાર સમક્ષ તેમની ૧૮ માંગણીઓના ઝડપી નિરાકરણની માંગ ઉઠી છે.