
અમદાવાદના શાહીનગર વિસ્તારમાં રહેતી યુવતી સહિત ત્રણ લોકો પાસેથી લક્ઝમબર્ગના વર્ક પરમિટ વિઝા અપાવવાના નામે કુલ રૂ.૧૨.૨૫ લાખ લેવામાં આવ્યા હોવાની ફરિયાદ સામે આવી છે. વિઝા કન્સલ્ટન્સી કંપનીની સેવા લીધા બાદ ત્રણેયની ફાઇલો આગળ ન વધતાં અને કેટલાક કિસ્સામાં ફાઇલ રિજેક્ટ થયા બાદ રૂપિયા પરત માંગવામાં આવ્યા હતા. જાકે, રૂપિયા પરત ન મળતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. નવરંગપુરા પોલીસે કન્સલ્ટન્સી કંપનીના માલિક વૈભવ શિંદે વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ, શાહીનગર વિસ્તારમાં રહેતી ૨૮ વર્ષીય કૃપા જાશી ખાનગી કંપનીમાં એચઆર તરીકે નોકરી કરે છે. વિદેશ જવાની ઇચ્છા હોવાથી તેમણે ઓનલાઇન ફોર્ચ્યુન ઇન્ટરનેશનલ વિઝા કન્સલ્ટન્સીની જાહેરાત જાઈ હતી.જાહેરાતના આધારે કૃપા કન્સલ્ટન્સીની ઓફિસે પહોંચી હતી. ત્યાં એક કર્મચારીએ તેમને લક્ઝમબર્ગના વર્ક વિઝા કરાવી આપવાનું જણાવ્યું હતું. આ માટે અંદાજે રૂ.૯ લાખ ફી હોવાનું જણાવવામાં આવ્યું હતું.
વિઝા પ્રક્રિયા આગળ વધારવા માટે કૃપાએ અલગ-અલગ સમયે કુલ રૂ.૫.૧૦ લાખ ચૂકવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ત્યારબાદ તેનો સંપર્ક કંપનીના માલિક વૈભવ શિંદે સાથે થયો હતો.ફરિયાદ મુજબ, વિઝાની પ્રક્રિયા અંગે વૈભવ દ્વારા અલગ-અલગ કારણો અને જવાબો આપવામાં આવતા હતા. યુવતી માટે બે અલગ દેશોની વિઝા ફાઇલ પણ મૂકવામાં આવી હતી, પરંતુ બંને ફાઇલો રિજેક્ટ થઈ ગઈ હતી.
બંને ફાઇલ રિજેક્ટ થયા બાદ કૃપાએ પોતાના ચૂકવેલા રૂપિયા પરત માંગ્યા હતા. જાકે, ફરિયાદ મુજબ કન્સલ્ટન્સી માલિક દ્વારા રૂપિયા પરત આપવા અંગે અલગ-અલગ કારણો આપવામાં આવ્યા હતા.આ દરમિયાન કૃપાની મુલાકાત અન્ય બે વ્યક્તિઓ સાથે થઈ હતી, જેમણે પણ આ જ કન્સલ્ટન્સી મારફતે વિઝા પ્રક્રિયા માટે રૂપિયા ચૂકવ્યા હોવાનું સામે આવ્યું હતું.
ફરિયાદ મુજબ, અન્ય બે વ્યક્તિઓ પાસેથી અનુક્રમે રૂ.૧.૫૦ લાખ અને રૂ.૫.૬૫ લાખ લેવામાં આવ્યા હતા. કૃપાએ ચૂકવેલા રૂ.૫.૧૦ લાખ સહિત ત્રણેય પાસેથી કુલ રૂ.૧૨.૨૫ લાખ લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે.ત્રણેયની વિઝા ફાઇલોનું કામ પૂર્ણ ન થયું અને ફાઇલ કેન્સલ અથવા રિજેક્ટ થયા બાદ રૂપિયા પરત ન મળતાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.ફરિયાદમાં વધુ એક મહત્વની બાબત સામે આવી છે. કન્સલ્ટન્સી કંપનીના માલિક વૈભવ શિંદે વિરુદ્ધ અગાઉ પણ વિઝા સંબંધિત ફરિયાદ નોંધાઈ ચૂકી હોવાનું જાણવા મળ્યું છે.
હાલ નવરંગપુરા પોલીસે ફરિયાદના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ત્રણેય અરજદારો પાસેથી કયા દસ્તાવેજા અને કેટલી રકમ લેવામાં આવી, વિઝા પ્રક્રિયા માટે કઈ કાર્યવાહી કરવામાં આવી હતી તથા રકમ પરત કેમ ન કરવામાં આવી તે સહિતના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે.