ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ ગરમીનો પ્રકોપ, ૧૦ શહેરમાં ૩૫ ડિગ્રીને પાર પહોંચ્યો તાપમાનનો પારો

ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય બાદ હવે રાજ્યમાં હવામાનનો મિજાજ બદલાવા લાગ્યો છે. વરસાદી સિસ્ટમની અસર ઘટતાં આકાશમાંથી વાદળો હટી રહ્યા છે અને સૂર્યપ્રકાશ સીધો પડતાં દિવસના તાપમાનમાં વધારો જાવા મળી રહ્યો છે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદની કોઈ મોટી શક્યતા નથી. આ દરમિયાન અમદાવાદ, રાજકોટ સહિતના વિસ્તારોમાં ‘ઓક્ટોબર હીટ’ની અસર વધુ અનુભવાઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, દિવસ દરમિયાન ગરમીનો અનુભવ યથાવત્ રહેવાની શક્્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજને કારણે ઉકળાટ અનુભવાઈ શકે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં સૂકા પવન સાથે ગરમી અનુભવાઈ શકે છે.

રાજકોટમાં સૌથી વધુ ૩૭.૬ ડિગ્રી તાપમાન – ગુજરાતમાં રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. હવામાન વિભાગના આંકડા મુજબ રાજકોટમાં મહત્તમ તાપમાન ૩૭.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ત્યારબાદ સુરેન્દ્રનગરમાં ૩૭.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદ, ડીસા, ગાંધીનગર, વડોદરા, સુરત, કંડલા, અમરેલી અને ભાવનગરમાં પણ મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું હતું.

ચોમાસાની વિદાય બાદ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટવા લાગે છે અને વાદળછાયું વાતાવરણ ઓછું થતાં સૂર્યના કિરણો સીધા જમીન સુધી પહોંચે છે. આ સ્થિતિમાં ઓક્ટોબર મહિનામાં દિવસ દરમિયાન તાપમાન વધે છે, જેને સામાન્ય રીતે ‘ઓક્ટોબર હીટ’ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર ભારતમાં પવનની દિશામાં ફેરફાર અને મજબૂત એન્ટી-સાયક્લોનિક સ્થિતિને કારણે હવામાં સૂકાપો વધવાની શક્યતાછે. ગુજરાતમાં પણ આગામી દિવસોમાં આ હવામાનની અસર જાવા મળી શકે છે.

આગામી ૭ દિવસ ગુજરાતમાં વરસાદ નહીં – હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદની કોઈ મોટી સંભાવના નથી. મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં પણ ખાસ ફેરફાર થવાની શક્યતા નથી. એટલે આગામી દિવસોમાં સવારે અને મોડી રાત્રે પ્રમાણમાં રાહત અનુભવાઈ શકે છે, પરંતુ બપોરના સમયે ગરમી અને ઉકળાટ વધવાની શક્યતા રહેશે.

મુંબઈમાંથી પણ ચોમાસાની વહેલી વિદાય – દરમિયાન, મુંબઈ અને તેના ઉપનગરોમાંથી પણ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ સામાન્ય સમય કરતાં પાંચ દિવસ વહેલી વિદાય લીધી છે. મુંબઈમાં સામાન્ય રીતે ચોમાસાની વિદાય ૮ ઓક્ટોબરની આસપાસ થાય છે, પરંતુ આ વર્ષે ૩ ઓક્ટોબરની આસપાસ વિદાયની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. મુંબઈમાં ચોમાસાની છેલ્લી નોંધપાત્ર વરસાદી ઘટના ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ નોંધાઈ હતી. હવામાનના રેકોર્ડ મુજબ ૨૦૨૪માં મુંબઈમાંથી ચોમાસાની વિદાય ૧૫ ઓક્ટોબરે અને ૨૦૨૫માં ૧૧ ઓક્ટોબરે થઈ હતી. ૨૦૨૩માં અલ નીનો વર્ષ દરમિયાન ચોમાસું ૬ ઓક્ટોબરે મુંબઈમાંથી પરત ફર્યું હતું. મુંબઈમાંથી અત્યાર સુધીની સૌથી વહેલી ચોમાસાની વિદાય ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૨ના રોજ નોંધાઈ હતી. ગુજરાતમાં વરસાદ નહીં, પરંતુ દેશના અન્ય ભાગોમાં હવામાન સક્રિય – ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન મોટાભાગે શુષ્ક રહેવાની શક્યતા છે, પરંતુ દેશના અનેક વિસ્તારોમાં આગામી એક સપ્તાહ દરમિયાન વરસાદ, ગાજવીજ અને તેજ પવનની સ્થિતિ બની શકે છે.