પંચમહાલમાં ૨૦૦ શાળાઓના વિદ્યાર્થીઓએ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો.
ગોધરામાં વિદ્યાર્થીઓએ રંગોળી-કોલાજ દ્વારા કલાત્મક કૃતિઓ રજૂ કરી.
જીલ્લા વહીવટી તંત્ર પંચમહાલ અને જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સેવાના રંગ રાષ્ટ્રના સંગ થીમ આધારિત રંગોળી અને કોલાજ વર્ક સ્પર્ધાનું સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ, ગોધરા ખાતે સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં પંચમહાલ જીલ્લાની અંદાજે ૨૦૦ જેટલી શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ રંગો, કુદરતી સામગ્રી, અનાજ, રેતી તથા કાપડના ટુકડાઓનો ઉપયોગ કરીને રાષ્ટ્રપ્રેમ, સમાજ સેવા, વિકસિત ભારત ૨૦૪૭, બેટી બચાવો-બેટી પઢાઓ અને પોષણ આહાર જેવા વિષયો પર કલાત્મક કૃતિઓ રજૂ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન જીલ્લા કલેક્ટર અજય દહિયા તથા જીલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીય એ કૃતિઓનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત અને સન્માનિત કરવામાં આવ્યા હતા.