
આંબા ગામે એક પિતાએ ટ્રેકટરના ભાડાના પૈસા ચુકવવા જેવી નજીવી બાબતે પોતાના સગા પુત્રની કુહાડીના ધા મારી કરપીણ હત્યા કરી નાંખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હત્યા મામલે મૃતકને બહેને પોતાના સગા પિતા રમેશભાઈ માલીવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
સંતરામપુર તાલુકાના આંબા ગામે રહેતા રમેશભાઈ ભાવાભાઈ માલીવાડ તા.૧૨ માર્ચના રોજ તેમના પુત્ર અરવિંદભાઈ માલીવાડને જણાવ્યુ હતુ કે, આપણા ખેતરમાં વિનેશભાઈ પલાસનુ ટ્રેકટર ખેડાણ કરવા બોલાવ્યુ હોવાથી તેનુ ભાડું ચુકવવાનુ છે. જોકે અરવિંદે ભાડું આપવાની ના પાડતા પિતા-પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી. ગુસ્સામાં આવી અરવિંદે પિતાને ડાબે પગે લાકડી મારી દીધી હતી. અને ત્યારબાદ તે ધરમાં જઈ સુઈ ગયો હતો. બીજી તરફ પુત્ર દ્વારા કરાયેલા હુમલાથી ઉશ્કેરાયેલા પિતાએ ધરમાં પડેલ કુહાડી ઉઠાવી ખાટલામાં સુતેલા પુત્ર અરવિંદ પર તુટી પડ્યા હતા. તેના માથા, મોંઢા, તથા છાતીના ભાગી કુહાડીના બે-ચાર ધા ઝીંકી દીધા હતા. ગંભીર ઈજાઓથી અરવિંદનુ ધટના સ્થળે જ મોત નીપજયું હતુ. ધટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. મૃતદેહને સંતરામપુર સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ.અર્થે ખસેડ્યો હતો. પિતાએ જ સગા પુત્રની કુહાડીના ધા મારી હત્યા કરી નાંખતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ મામલે મૃતકની બહેન સુમીત્રાબેન ભુરિયાએ પોતાના સગા પિતા રમેશભાઈ માલીવાડ વિરુદ્ધ સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.