સંખેડા તાલુકાના ગોલાગામડી પાસે શુક્રવારે સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયા બાદ પણ ખાણખનિજ ખાતા દ્વારા ચેકપોસ્ટ સામેના રોડ ઉપરના રસ્તા નથી પૂર્યા કે નથી રસ્તા ઉપરથી ધૂળ-માટી હટાવી.
આના કારણે હજીય ગમખ્વાર અકસ્માતો થવાની શક્યતા છે. મામલતદારે ભૂસ્તરશાસ્ત્રીની કચેરીના કર્મચારીઓને રસ્તા બાબતે સૂચના આપી હતી. છતાં હજીય યથાવત જ પરિસ્થિતિ છે.
સંખેડા તાલુકાના ગોલાગામડી પાસે શુક્રવારે સાંજે અકસ્માત સર્જાયો હતો. રેતીના ક્ધટેનર અને બે બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક યુવકનું મોત થયું હતું જ્યારે અન્ય ચાર ઇજાગ્રસ્ત થયા હતા.
ત્યારબાદ ઉશ્કેરાયેલા ગ્રામજનો દ્વારા રેતી ભરેલા વાહનોની અવરજવર સદંતર બંધ કરાવાઇ હતી. ત્યારે સમગ્ર તંત્ર દોડતું થયું હતું અને અહીંયા આવી પહોંચ્યું હતું. મામલતદાર, પી.આઇ.,ખાણ ખનીજ ખાતાના કર્મચારીઓ અહીં આવી ગયા હતા.
અહીં આવેલી ખાણ ખનીજ ખાતાની ચેકપોસ્ટ ઉપર વજન કાંટો નથી. જેથી રસ્તાની સામેની બાજુએ આવેલી ખુલ્લી જગ્યામાં ટ્રક ઉભી રહે છે અને ત્યાંથી જે ટ્રક ચાલક હોય છે તે રોયલ્ટી પાસ અને વજનની કાંટા પાવતી લઈ ચેકપોસ્ટ ઉપર બતાવવા આવે છે અને ત્યાંથી તેઓ ફરી પાછા મુખ્ય રસ્તા ઉપર ચડે છે.
જે જગ્યાએથી રેતી ભરેલી ટ્રકો રસ્તા ઉપર ચડે છે ત્યાં ખાડો પડી ગયો છે અડધો રસ્તો આખો રોકાઈ ગયો છે તેની ઉપર ગ્રેવલ પણ નાખેલા છે.
આજુબાજુ આશરે ૫૦થી ૬૦ મીટર સુધી રેતી અને ધૂળ રસ્તાની એક બાજુએ પથરાયેલા છે. તેને પણ દૂર કરાવ્યા નથી. પરિણામે ટ્રક જ્યારે રસ્તા ઉપર ચડે છે ત્યારે ધૂળ અને રેતી ખૂબ જ ઉડે છે.
જેના કારણે પાછળ આવતા વાહન ચાલકોને રસ્તો ન દેખાય એવી સ્થિતિ સર્જાતી હોય છે. પરિણામે અકસ્માત થવાનો ભય રહે છે. ભૂતકાળમાં પણ આના કારણે અકસ્માતો થયા હતા છતાં હજી સુધી ખાણ ખનીજ ખાતાએ તેમાંથી કોઈ બોધપાઠ લીધો નથી.
રસ્તા બાબતે સૂચના આપી હતી શુક્રવારે રાત્રે ગામડી નજીક અકસ્માત થયો હતો. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જે બાદ સ્થળ મુલાકાત લીધી હતી. ભૂસ્તરશાસ્ત્રીની કચેરીના કર્મચારીઓને રસ્તા બાબતે સૂચના આપી હતી. – જે.એચ.પટેલ, મામલતદાર, સંખેડા…
નથી ખાડા પૂરાયા કે નથી ધૂળ-રેતી હટાવાઈ અકસ્માત બાદ ખાણખનીજ ખાતાના કર્મચારીઓએ બીજા જ દિવસે ખાડા પૂરીને ધૂળ હટાવીશું તેમ જણાવ્યું હતું. પણ નથી ખાડા પૂરાયા કે નથી ધૂળ-રેતી હટાવાઈ. મોટા વાહન જાય ત્યારે ધૂળ-રેતી ઉડે છે. જેથી પાછળ આવતા ચાલકોને રસ્તો પણ દે ખાતો નથી. રાત્રે લાઈટ નથી કે રીફલેક્ટર પણ નથી. એટલે ખબર જ નથી પડતી. – નિરવ તડવી, સરપંચ, ગોલાગામડી…