સંખેડા તાલુકાની કાશીપુરા પ્રા.શાળામાં ધો.-૧ થી ૮ માં ૮૫ જેટલા બાળકો અભ્યાસ કરે છે. આ શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા વકીલ એકતાબેન ભરતકુમાર ત્રણ મહિનાની રજા મુકી ઓસ્ટ્રેલિયા ગયા હતા. જોકે રજા પુર્ણ થયા બાદ પણ તેઓ શાળામાં ફરજ પર હાજર થયા નથી.
શિક્ષિકા લાંબા સમયથી ફરજ પર હાજર નહિ થતાં શાળાના આચાર્ય દ્વારા આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવી હતી. તે બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શિક્ષિકાને ત્રણ જેટલી નોટિસો પાઠવી છતાં તેઓ હાજર થયા નથી. અને નોટિસોને પણ ઘોળીને પી ગયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. હાલ શાળાના રજીસ્ટરમાં આ શિક્ષિકાનુ નામ લખવામાં આવે છે. ત્રણ મહિનાની રજા લઈને ઓસ્ટ્રેલિયા ગયેલા શિક્ષિકા બે વર્ષથી ફરજ ઉપર હાજર ન થતાં તેમની સામે હજુ સુધી શુ કાર્યવાહી કરવામાં આવી છે…?છોટાઉદેપુર જિલ્લામાં અનેક પ્રા.શાળાઓમાં શિક્ષકોની ધટ છે. ચાલુ નોકરીએ વિદેશ ગયેલા શિક્ષકો જયાં સુધી પરત આવીને રાજીનામું ન આપે ત્યાં સુધી સરકારના ચોપડે તેમની જગ્યા ખાલી થતી નથી. જેના કારણે આવા શિક્ષકોની જગ્યાએ ભરતી પણ થઈ શકતી નથી. અને તેની સીધી અસર બાળકોના ભવિષ્ય પર પડે છે.