કાલોલના દેવપુરા ગામે દુધ મંડળીની વાર્ષિક સાધારણ સભા બાબતે બોલાચાલી

કાલોલ તાલુકાના દેવપુરા ગામની દુધ સહકાર મંડળીમાં મળેલી વાર્ષિક સાધારણ સભા દરમિયાન છેલ્લા બે-ત્રણ વર્ષથી વાર્ષિક સાધારણ સભા કેમ યોજાતી નથી. મંડળીનો વહીવટ તેમજ નાણાંકિય વિગતો પારદર્શક કેમ નથી તેવા સવાલો ઉઠાવતા સભામાં બબાલ થઈ હતી. અને વાતાવરણ ઉગ્ર બનતા સભા આટોપી લીધી હતી.

સભા બોલાવવાની અદાવતને લઈ દુધ મંડળીના ચેરમેન અને તેમના સાગરિતો દ્વારા અરજદાર યુવકના પરિવારજનો સાથે ઝધડો કરતા રાત્રે ફરી ગામમાં બબાલ થતાં ૧૧૨ની મદદથી પોલીસ પણ બોલાવવી પડી હતી. પોલીસની હાજરી બાદ પરિસ્થિતિ થાળે પડી હત. જોકે અરજદાર કિશનકુમારના આક્ષેપ મુજબ રાત્રે દુધ મંડળીના ચેરમેન સહિત અન્ય લોકોએ ઝધડો કરી તેમના પરિવારજનો સાથે મારામારી કરી હોવાના તેમજ ટાંટિયા તોડી નાંખવાની ધમકી આપતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સહકારી મંડળીના નિયમો મુજબ દર વર્ષે વાર્ષિક હિસાબ અને અહેવાલ પછી ૩૦ સપ્ટે.સુધી વાર્ષિક સાધારણ સભા ભરવાની ફરજિયાત છે. અને ૩૦ સપ્ટે.પછી સંઘના આદેશ વિના કોઈ સભા યોજાતી નથી. જેને કારણે દેવપુરા દુધ મંડળીમાં ૩૦ સપ્ટે.પછી યોજાયેલી વાર્ષિક સાધારણ સભા અંગે સવાલો ઉભા થયા છે.