બુટલેગરોમાં ખળભળાટ : એલસીબીએ.સલિયાવાડી માંથી રૂ. ૪.૬૧ લાખનો દારૂ ઝડપી પાડ્યો.
મહીસાગર જીલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનાઓ સામે ચલાવવામાં આવી રહેલી સઘન ઝુંબેશ હેઠળ બાલાસિનોર તાલુકાના સલિયાવાડી ગામમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)ની ટીમે સફળ દરોડો પાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂ નો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે અંદાજે રૂ. ૪,૬૧,૨૪૮ કિંમતનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મહીસાગર જીલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે સલિયાવાડી ગામમાં આવેલા એક મકાનમાં મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા તપાસ દરમિયાન વિવિધ બ્રાન્ડની કુલ ૧,૬૧૪ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.
કાર્યવાહી દરમિયાન પોલીસે દીપસિંહ ભીખાભાઈ ઠાકોર (રહે. સલિયાવાડી, તા. બાલાસિનોર, જી. મહીસાગર)ની ધરપકડ કરી હતી. આરોપી વિદ્ધ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસે જપ્ત કરેલા દારૂની કુલ કિંમત અંદાજે રૂ. ૪.૬૧ લાખ હોવાનું જણાવ્યું છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે અને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેમજ તેમાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.