સંજેલીના વલુડા આંગણવાડીમાં પોલીસ પ્રોટેકશન સાથે તેડાગરને હાજર કરાઈ

સંજેલી તાલુકાના વલુડા આંગણવાડી કેન્દ્રમાં તેડાગરની ભરતીને લઈને ઉભો થયેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. મેરિટના આધારે સંગીતાબેન બામણીયાને ઓર્ડર આપવામાં આવ્યો હતો. પરંતુ ત્રીજા નંબરે રહેલા સ્થાન્કિ ઉમેદવાર મનીશાબેન ડામોર અને તેમના સાસુએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પક્ષે આંગણવાડી કેન્દ્રનો ગેટ બંધ કરીને સંગીતાબેનને પ્રવેશતા અટકાવ્યા હતા. વિરોધી સાસુમાએ દાવો કર્યો હતો કે, તેમની 35 વર્ષની સેવા છે. અને આંગણવાડી તેમની જમીનમાં આવેલી છે. જેથી તેઓ અન્ય ફળિયાની મહિલાઓને હાજર થવા દેશે નહિ. આ વિરોધ દરમિયાન સાસુએ દવા પી જવાની ધમકી પણ આપી હતી. બે દિવસ સુધી પોલીસ મહિલા પોલીસ વિના પહોંચીને વિલા મોઢે પરત ફર્યાના અહેવાલો પ્રસિદ્ધ થતાં બીટ જમાદાર 112ની ટીમ મહિલા પોલીસ સાથે વલુડા પહોંચી હતી. પોલીસે સંગીતાબેનને કેન્દ્રમાં હાજર કર્યા અને કાયદાનુ ઉલ્લંધન કરનાર વિરોધી મહિલાના સાસુને પોલીસ મથકે લઈ જવાયા હતા. સાસુની અટકાયત બાદ મનીશાબેન ડામોરે અમારી 35 વર્ષની સેવા પાણીમાં ગઈ કહીને આક્રંદ મચાવ્યુ હતુ.