
આંતરજ્ઞાતિય પ્રેમલગ્ન કરનાર દલિત યુવકને તેના જ સાળાના હાથે સરાજાહેર મોત મળ્યું હોવાનો કરૂણ અને ગંભીર કિસ્સો ભક્તિનગર વિસ્તારમાંથી સામે આવતા રાજકોટ શહેરમાં હાલ હડકંપ મચ્યો છે. મળતી માહિતી અનુસાર, બહેને પોતાની જાતિને છોડી દલિત જ્ઞાતિમાં પ્રેમલગ્ન કર્યાના ૭ વર્ષે ભાઈએ પોતાના બનેવીને ધોળા દિવસે ચપ્પુના ધા ઝિંકી સરાજાહેર મોતને ઘાટ ઉતારી દીધો છે. ત્યારે ઘટના અંગેની જાણ જતા જ પોલીસે સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકના શવને પોસ્ટ માર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી તપાસ શરૂ કરી છે.
વિગતે વાત કરીએ તો, રાજકોટ શહેરના ભક્તિનગર વિસ્તારમાં ૨૭ વર્ષીય દલિત યુવક વિમલ વાણીને તેના જ સાળા કમલેશે ધોળા દિવસે ચપ્પુના ઘા ઝીંકી સરાજાહેર મોતને ઘાટ ઉતારી દીધો છે. ભક્તિનગર સર્કલ નજીક કોલેજીયન પાન પાસે આજે ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ બપોરના સમયે વિમલ વાણીયા પર તેના સાળા કમલેશ ઉર્ફે કાનાએ આજે ધોળા દિવસે છરી વડે સરાજાહેર હુમલો કરી દીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા વિમલને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.ઘટનાની જાણ થતાં ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન ૧ હેતલ પટેલ તેમજ ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી અને ભક્તિનગર પોલીસની ટીમો સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા.
ત્યારે બનાવ સંદર્ભે કમલેશ ઉર્ફે કાના વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ મૃતકની પત્ની શીતલ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે હૈયાફાટ રૂદન કરવામાં આવ્યું હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. પોતાની નાની ઉંમરના દીકરાએ નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવી હોવાનો વસવસો શીતલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.તપાસમાં સામે આવ્યું કે, મૃતક વિમલ વાણીયા કોઠારીયા મેઇન રોડ નજીક સહકાર રોડ વિસ્તારમાં રહે છે, જેઓ આજે બપોરે આશરે બે વાગ્યાના અરસામાં ભક્તિનગર સર્કલ પાસે આવેલા કોલેજીયન પાન પાસે હાજર હતા. આ દરમિયાન એક શખ્સ તેની પાસે આવ્યો હતો અને કોઈ બાબતે બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. બોલાચાલી ઉગ્ર બનતાં ગાળાગાળી સુધી વાત પહોંચી હતી. ત્યારબાદ શખ્સે અચાનક છરી કાઢી વિમલના શરીર અને હાથના ભાગે એક બાદ એક ઘા ઝીંકી દીધા હતા.
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલો વિમલ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. બનાવને પગલે આસપાસના વેપારીઓ અને રાહદારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ઈજાગ્રસ્ત વિમલને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જાકે, સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ કમલેશ ઉર્ફે કાનો પોતાના ટુ વ્હીલર ઉપર ફરાર થઈ ગયો હોવાના દ્રશ્યો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. સમગ્ર બનાવની જાણ થતા પોલીસની અલગ-અલગ ટીમોએ તપાસ શરૂ કરી હતી. ઘટનાસ્થળ અને આસપાસના cctv ફૂટેજ એકત્રિત કરી આરોપીની હિલચાલ તથા ઘટનાક્રમ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.પ્રાથમિક વિગતો મુજબ વિમલ કારખાનામાં નોકરી કરતો હતો અને પરિવાર સાથે રહેતો હતો. તેના પરિવારમાં માતા, પત્ની અને એક સંતાનનો સમાવેશ થાય છે.