પાવીજેતપુરના ઉમરવા ગામે સિંચાઈના પાણીના અભાવે ૨૦૦ એકર જમીનનો ઉભો પાક સુકાવવાને આરે

પાવીજેતપુર તાલુકાના ઉમરવા ગામમાં સિંચાઈ માટે પુરતુ પાણી નહિ મળતા ખેડુતોમાં રોષ જોવા મળ્યો છે. વિસ્તારમાં આશરે ૧૫૦ થી ૨૦૦ એકર વિસ્તારમાં વાવેલો કપાસ અને દિવેલા જેવા રોકડિયા પાક પાણીના અભાવે સુકાઈ જવાની ભિતી સેવાઈ રહી છે.

ઉમરવા ગામ તેમજ આસપાસના સીમ વિસ્તારમાં ખેડુતોએ કપાસ અને દિવેલાનુ વાવેતર કર્યુ છે. હાલ તેમને નિયમિત અને પુરતા પાણીની જરૂરિયાત છે. આગામી દિવસોમાં પાકને પાણી નહિ મળે તો ખેતરોમાં ઉભો પાક બળીને ખાખ થવાની શકયતા છે. ખેડુતો મુજબ પાણી વિના પાક નિષ્ફળ જશે તો લાખો ‚પિયાનુ નુકસાન થવાની શકયતા છે. ગામના ખેડુતોની રજુઆત બાદ વિભાગ દ્વારા અગાઉ એક વખત કેનાલમાં પાણી છોડ્યુ હતુ. પરંતુ કીકાવાડા ગામ નજીકથી પસાર થતી કેનાલમાં મોટું ગાબડું પડતા કેનાલ તુટી ગઈ હતી. પરિણામે પાણી આગળ વધવાને બદલે ત્યાંથી જ વહી ગયુ હતુ. તંત્ર દ્વારા તાત્કાલિક પાણીનો પ્રવાહ બંધ કરી દીધો હતો. કેનાલ તુટ્યા બાદ તેનુ સમારકામ હાથ ન ધરાતા ઉમરવા ગામના છેવાડાના ખેતરો સુધી પાણીનુ એક ટીપું પહોંચી શકયુ નથી. સ્થાનિક ખેડુતોએ સિંચાઈ વિભાગના જવાબદાર અધિકારીઓ સામે ટેલિફોનીક સંપર્ક તેમજ મોૈખિક રીતે અનેકવાર રજુઆતો કરી કેનાલનુ સમારકામ કરાવી તાત્કાલિક પાણી છોડવા માંગ કરી છે. કીકાવાડા પાસે તુટી ગયેલી કેનાલનુ રિપેરીંગ કરી તાત્કાલિક પાણી છોડવામાં આવે નહિ તો ખેડુતોના ઉભા પાકોને નુકસાન થવાની ભિતી સાથે લાખો ‚પિયાનુ નુકસાન વેઠવાનો વારો આવે તેમ છે.